અમદાવાદ: પાકિસ્તાનની જેલમાં બંધ કુલદીપ યાદવના ભાઈ પર ફાયરિંગ, આબાદ બચાવ

અમદાવાદ : પાકિસ્તાની જેલમાં છેલ્લા ત્રીસ વર્ષથી બંધ કુલદીપ યાદવના ભાઈ પર તેમના ઘરમાં પહેલા રહેતા ભાડુઆતે ફાયરિંગ (Firing) કર્યું છે. જેની સામે તેમણે સ્વ બચાવ માટે પ્રતિકાર કરતા તેમનો આબદ બચાવ થયો છે. પરંતુ સામાન્ય ઇજા પહોંચી છે. આ અંગે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ચાંદખેડા વિસ્તારમાં રહેતા કુલદીપ યાદવના ભાઇ સંજય યાદવે પોલીસ ફરિયાદ આપી છે કે, તેઓ ગઇકાલે સવારે સાતેક વાગ્યાની આસપાસ નોકરીએ જવા માટે નીકળ્યા હતા. આ સમયે તેમની સોસાયટીમાં રોડ પર સાયકલ લઈને જઈ રહ્યા હતા. ત્યારે જીતેન્દ્ર શર્મા નામનો વ્યક્તિ ચાલતો ચાલતો તેમની નજીક આવ્યો હતો અને તેને દેશી કટ્ટો બહાર કાઢીને કંઈપણ બોલ્યા વગર ફરિયાદીનું મોત નિપજવાના ઇરાદે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે દરમિયાન ફરિયાદીએ સમય સૂચકતા વાપરીને નીચે બેસી જતા ગોળી તેમના ડાબા હાથના અંગુઠાના ભાગે અડીને નીકળી ગઇ હતી.