CA ફાઈનલની પરીક્ષામાં અમદાવાદના કુતંજ દરજીએ 26મો રેન્ક મેળવ્યો, જાણો કેવી રીતે મેળવી આ સફળતા

અમદાવાદ : સીએ ફાઈનલની પરીક્ષામાં અમદાવાદના કુતંજ દરજીએ ઓલ ઈન્ડિયામાં 26મો રેન્ક મેળવ્યો છે. કોરોના મહામારીને કારણે સીએ ફાઈનલની પરીક્ષા ઘણીવાર પાછળ ઠેલાતી રહી. છેવટે ગત નવેમ્બરમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે ન્યુ કોર્સ અને ઓલ્ડ કોર્સની ફાઈનલ પરીક્ષા લેવાઈ હતી, જેનું પરિણામ આઇસીએઆઇ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ ચેપ્ટરના કુતંજ દરજીએ ઓલ ઈન્ડિયામાં 26મો રેન્ક મેળવીને ઝળહળતી સફળતા મેળવી છે. પરીક્ષાના દિવસે જ બહેનના લગ્ન હોવાથી તે પોતાની બહેનના લગ્નમાં પણ જઈ શક્યો ન હતો. કુતંજે આ સફળતા કેવી રીતે મેળવી અને તેને કેવી મુશ્કેલીઓ નડી તે કુતંજ પાસેથી જાણીએ.
પ્રશ્ન – સીએ ફાઈનલની પરીક્ષા માટે એડવાન્સ પ્લાનિંગનું શું મહત્વ છે?
જવાબ – એડવાન્સ પ્લાનિંગનું ખૂબ જ મહત્વ છે કારણ કે સીએ ફાઈનલનો કોર્સ ખૂબજ મોટો છે અને સમયસર કોર્સ પતાવવા માટે પ્લાનિંગ ખૂબ જરૂરી છે.
પ્રશ્ન – સીએ બનવા માટે કેવીરીતે પ્રેરણા મળી ?
જવાબ – 12 ધોરણ પછી કયા ફિલ્ડમાં જવું તેનું રિસર્ચ કરતો હતો ત્યારે સીએનું કોર્સ સ્ટ્રક્ચર જોયું. એકાઉન્ટીંગ અને ફાયનાન્સમાં રસ હતો અને સમાજમાં સીએને ઘણું રિસપેક્ટ મળતું હોય છે માટે સીએનું ફિલ્ડ પસંદ કર્યું.
પ્રશ્ન – પરીક્ષાને કારણે બહેનના લગ્નમાં હાજરી ન આપી શક્યા તો કોઈ એફસોસ ન થયો?
જવાબ – અફસોસ ખૂબ જ હતો પણ ઘરમાં બધાએ સપોર્ટ કર્યો કે હું એક્ઝામ પર જ ફોકસ કરૂ એટલે પછી પુરા ફોકસથી એક્ઝામની તૈયારી કરી શક્યો.
પ્રશ્ન – બહેન નારાજ ન થઈ ?
જવાબ – બહેનને જ્યારે ખબર પડી કે લગ્નના દિવસે જ એક્ઝામ છે તો ખૂબ જ નારાજ થઈ હતી પણ પછી એને જ કહ્યું કે તું એક્ઝામ જ આપ કારણ કે તે આખુ વર્ષ તેના માટે મહેનત કરી છે.
પ્રશ્ન – કેટલા વર્ષ મહેનત કરી ?
જવાબ – પરીક્ષા મે 2020માં હતી માટે નવેમ્બર 2019થી સીએ ફાઈનલની તૈયારી કરતો હતો.
પ્રશ્ન – કોરોનાને લીધે માનસિક સ્થિતિ પર કેવી અસર થઈ ?
જવાબ – કોરોનાને કારણે ઘણો સમય વાંચવાનું થયુ જ નહીં. લોકડાઉનના કારણે બધા ફેમિલી મેમ્બર્સ ઘરમાં જ હોવાથી વાંચવામાં ખૂબ જ ડીસ્ટર્બ થતું હતું.
પ્રશ્ન – કોરોનાને કારણે પરીક્ષા લેવાશે કે નહીં તેવી ચિંતા થતી હતી ?
જવાબ – પરીક્ષા મે 2020માં હતી જે ડીલે થઈને જૂન પછી જુલાઈમાં લેવાવાની હતી. પણ કોરોનાના કેસ વધતાં જતાં હતા માટે ચિંતા થતી હતી કે પરીક્ષા લેવાશે કે નહીં. અને નહીં લેવાય તો શું થશે ? મારે વાંચવું જોઈએ કે થોડો સમય બ્રેક લેવો જોઈએ તેવા પણ વિચારો આવતા હતા.
પ્રશ્ન – તમે રેન્કર બનશો તેવી આશા હતી ?
જવાબ – રેન્કર બનીશ તેવી આશા તો નહોતી રાખી. એક્ઝામ પતી પછી એવું લાગતું હતું કે પાસ તો થઈ જઈશ. પણ રેન્ક આવ્યો તો માનવામાં જ નહોતું આવતું.
પ્રશ્ન – મન ફ્રેશ રાખવા કેવી પ્રવૃત્તિઓ કરતા હતા ?
જવાબ – ક્રિકેટનો ખૂબ જ શોખ છે એટેલે ફ્રેશ થવા માટે ક્રિકેટ મેચ જોતો હતો અને મ્યુઝિક પણ સાંભળતો હતો.
પ્રશ્ન – મિત્રો તરફથી કેવો સાથ-સહકાર મળતો હતો ?
જવાબ – ફ્રેન્ડઝ તરફથી ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. સીએમાં છે એમણે અને સીએ નથી કરતા તેમણે પણ સારો સપોર્ટ કર્યો. અમુક સબ્જેક્ટ્સ અમે સાથે ભણતાં અને બીજા ફ્રેન્ડ્સ મોટીવેટ પણ ઘણું કરતા હતાં.