અમદાવાદ: પોલીસની પાંચ લોકોની ટીમને સામાન્ય બુટલેગરે હંફાવી, ફિલ્મ જેવી થઈ ઝપાઝપી
અમદાવાદ: શહેરની નિકોલ પોલીસ અવારનવાર વિવાદોમાં સપડાતી હતી. ત્યારે ફરી એક વખત એવી ઘટના સામે આવી છે જેમાં નિકોલ પોલીસને શરમના માર્યે મો નીચુ કરવાનો વારો આવ્યો છે. એક સામાન્ય બુટલેગરને પાંચ પોલીસ કર્મચારીઓની ટીમ પકડવા ગઈ હતી, ત્યારે આ બુટલેગરએ તેની સાથેના શખ્સ સાથે મળીને આ ટીમ સાથે ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં બુટલેગરે એવી ધમકી પણ આપી હતી કે, તમે મને પકડવા વાળા કોણ છો. જોકે પોલીસે આ બુટલેગરની ધરપકડ કરી તેની સાથેના જે શખશો હતા તે લોકોની શોધખોળ હાથ ધરી છે.
નિકોલ પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહએ ફરિયાદ નોંધાવી છે કે, તે તથા તેમની સાથેના પાંચથી વધુ પોલીસ કર્મચારીઓ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાનમાં તેઓને બાતમી મળી હતી કે, હરીદર્શન ચાર રસ્તા પાસે નિકોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી સત્ય પ્રકાશ ઉર્ફે બાબુ સેલબી હોસ્પિટલ પાસે પોતાના મિત્રોને મળવા આવવાનો છે.