કાચચાલકો ચેતજો, સાઇલન્સર ચોરતી ગેંગ થઇ વધુ ચાલાક, CCTV કેમેરામાં પણ નથી છોડતી કોઇ છાપ

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં એક ગેંગનો આતંક જોવા મળી રહ્યો હતો. જે ગેંગ એવી કરતૂતોને અંજામ આપી રહી છે કે, રાતોરાત ઇકો ગાડીના અવાજ બદલાઈ જાય છે. તમને જાણીને પણ નવી લાગશે કે આ એવી ગેંગ છે કે જે માત્ર ને માત્ર ઈકો ગાડીના સાઇલન્સરની ચોરી કરે છે. કેટલાક દિવસ અગાઉ નરોડાના એક ગોડાઉનમાંથી આઠ જેટલી ઈકો ગાડીના સાઇલન્સરની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. ત્યારબાદ રામોલ વિસ્તારમાં બે ગાડીના સાઇલન્સરની ચોરી થઈ હતી. અને હવે સરખેજ સાણંદ રોડ પર આવેલા એક કંપનીના ગોડાઉનમાં પડેલી 22 ઇકો કારના સાઇલન્સર ચોરી થયા હતા. સમગ્ર મામલે સરખેજ પોલીસે અને અન્ય પોલીસે પણ તપાસ શરૂ કરી છે. પણ એ વાત ચોક્કસથી કહી શકાય કે સાઇલન્સર ચોરી કરતી ગેંગ હવે પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તાર તરફ વળી છે અને આવા ગુનાઓને અંજામ આપી રહી છે.
ગાંધીનગરમાં રહેતા અશ્વિનકુમાર શર્મા સરખેજ શાંતીપુરા સર્કલ પાસે કિરણ મોટર્સના ગોડાઉનમાં સ્ટોકેડ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. તેઓનું આ સ્થળ પર ગોડાઉન આવેલું છે અને ત્યાં ફેનસિંગ પણ કર્યું છે અને સિક્યોરિટી ગાર્ડ પણ રાખેલા છે. અહીં ફરજ બજાવતા ગાર્ડ અહીં ઓરડીમાં જ રહે છે અને સીસીટીવીથી સજ્જ આ ગોડાઉન છે.
ગત 24મી ડિસેમ્બરે તેમની કંપનીમાં કામ કરતા ભાવેશ ભાઈ એક ગાડીની ડિલિવરી હોવાથી કાર લેવા આવ્યા હતા. ત્યારે કાર ચાલુ કરી તો તેમાં સાઇલન્સર ન હોવાનું જણાયું હતું. જેથી અન્ય કાર જોઈ તો તેમાં પણ સાઇલન્સર ન હતા. ત્યાં પડેલી સફેદ કલરની 22 ઇકો કારમાં આ રીતે સાઇલન્સર નહોતા. જેથી અશ્વિનકુમાર ને જાણ કરતા તેઓએ તપાસ કરી તો તમામ ઇકો કારમાંથી સાઇલન્સર ચોરી થયા હતા.
જેથી તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. સરખેજ પોલીસે તપાસ કરી તો સીસીટીવીમાં કોઈ ફળદાયી દ્રશ્યો દેખાયા નહોતા. જેથી સાઇલન્સર ચોરી કરતી ગેંગ પકડવા પોલીસ માટે ટાસ્ક બની ગયો છે. આ મામલે સરખેજ પોલીસે 14.30 લાખના 22 સાઇલન્સર ચોરી થયાની ફરિયાદ નોંધી હવે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે રામોલ કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરને લઈ જવા માટે ઇકો કાર વાપરનાર સુશીલકુમારની પણ કારમાંથી સાઇલન્સર ચોરી થયું હતું. અને તે મામલે રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને આવો જ બીજો કિસ્સો પણ રામોલમાં બન્યો હતો.