गुजरात

ગુજરાત ભાજપ નેતાની હત્યા કેસમાં વધુ એક ધડાકોઃ અમિત કટારાએ શાની અદાવતમાં કરાવી નાંખી હત્યા?

દાહોદઃ ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની 27 સપ્ટેમ્બરના રોજ જીપ વડે ટક્કર મારીને હત્યા કરી દેવાઇ હતી. હત્યા રાજકિય કારણોસર જ કરાઇ હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ એટીએસ દ્વારા હત્યાના બરોબર ત્રણ માસ બાદ સોમવારે કરવામાં આવ્યો હતો. આ ગુનાઇત કાવતરામાં સંડોવાયેલા અને હત્યા માટે સોપારી આપનારા ઝાલોદના જ ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડને એટીએસ દ્વારા હરિયાણાના મેવાત જિલ્લાથી પકડ્યા બાદ દાહોદના પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અને હાલના કોંગી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઇ અમિત કટારા હત્યાનો મુખ્ય સૂત્રધાર હોવાનું એટીએસે જાહેર કરતાં ખળભળાટ મચી ગયો હતો.

ઝાલોદ પાલિકાની બીજી ટર્મની પ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યને પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યું હતું. અમિત પોતાની માનીતી વ્યક્તિને પ્રમુખ બનાવવા માંગતો હતો. તેમજ ભાજપના 8 અને અપક્ષના 4 સભ્યનો ટેકો પણ હતો, પરંતુ હિરેન પટેલને કારણે અમિત કટારા પોતાની માનીતી વ્યક્તિને પ્રમુખ બનાવી શક્યા નહોતા. અમિતની માનીતી વ્યક્તિ પ્રમુખ ન બને તે માટે હિરેન મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે આ અદાવતમાં હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અમિત કટારા હાલ ફરાર છે. ત્યારે અમિતની ધરપકડ બાદ જ હત્યા કેમ કરાવી તે સામે આવશે.

ગોધરા કાંડમાં સજા પામનાર અને જેલ ફરારી ઇરફાન પાડાને હિરેનભાઇની હત્યા માટે સોપારી આપી હોઇ શકે છે. હત્યાને અકસ્માતમાં ખપાવવાનું ગુનાઇત કાવતરૂ રચીને હિરેનભાઇને જીપની ટક્કર મારીને તેમનો જીવ લઇ લેવાયો હતો. આ પ્રકરણમાં એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, દાહોદ, પંચમહાલ અને મહિસાગર એલસીબી સહિતની ટીમોની રાત દિવસની મહેનત બાદ છ આરોપીઓ ઝડપાયા બાદ ઇમરાન ફરાર હોવાથી તપાસ અટકી ગઇ હતી. જોકે, હવે ઇમરાન ગુડાલા પકડાયા બાદ અંતિમ કડી અમિત કટારાનું નામ સામે આવતાં હવે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

હિરેન પટેલની ત્રિમાસિક તિથિએ દાહોદ પોલીસ તેમજ એટીએસ દ્વારા હત્યાકાંડનો ભેદ ઉકેલી સાતમા આરોપી ઇમરાન ઉર્ફે ઇમુ ગુડાલા હરિયાણાથી ઝડપી પડતા ઝાલોદ નગરમાં પોલીસ કામગીરીને પરિવાર તેમજ લોકોએ વધાવી લીધી હતી. અને સ્વ.હિરેનભાઇના પૂત્ર પંથ પટેલે જણાવ્યું હતું કે, પિતાની હત્યા રાજકિય અદાવતે કરાઇ હતી. હજી નાના માથા આવ્યા છે, મોટા માથા હજી આવવાના બાકી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઘરે આવ્યા ત્યારે તેમણે ઘટનાના મૂળ સુધી પહોંચી હત્યામાં સામેલ કોઇને પણ નહીં છોડાય તેવી ખાત્રી આપી હતી અને અમને ન્યાય અપાવવાનું જણાવ્યુ હતું. પપ્પાની હત્યામાં સામેલ લોકોને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close