गुजरात

સુરત: ઓનલાઇન અભ્યાસની ચિંતામાં ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત

સુરત: કોરોના મહામારી વચ્ચે ધંધા-રોજગાર સહિત તમામ રાબેતા મુજબ ચાલુ થઇ ગયા છે. જોકે, હજુ સુધી સ્કૂલ-કૉલેજ  શરૂ કરવાની મંજૂરી સરકાર તરફથી આપવામાં આવી નથી. આ માટે હાલ ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે. બીજી તરફ બાળકોને ઓનલાઇન અભ્યાસમાં વધારે સમજ પડતી ન હોવાથી તેઓ માનસિક તાણ (Stress)નો શિકાર બની રહ્યા છે. બીજી તરફ અનેક વાલીઓ એવી પણ ફરિયાદ કરી રહ્યા છે કે તેમના બાળકો ઓનલાઇન અભ્યાસ કરતા નથી અને તેમને ગેમ રમવાની કે મોબાઇલમાં Youtube વીડિયો જોવાની લત લાગી ગઈ છે, ત્યારે સુરતમાં ઓનલાઇન અભ્યાસના માનસિક તણાવમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો છે.

સુરતના મોટા વરાછાની આનંદધારા રેસિડેન્સી ખાતે રહેતા કમલેશભાઈ લુણાગરીયાની પુત્રી પ્રગતિ ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. કોરોનાને લઇને પ્રગતિ ઘરેથી ઓનલાઇન અભ્યાસ કરતી હતી. કોરોનાને કારણે સ્કૂલ બંધ હોવાથી ઓનલાઇન અભ્યાસમાં પ્રગતિને મુશ્કેલી પડતી હતી. આ કારણે તેણી સતત માનસિક તાણ અનુભવી હતી.

જે બાદમાં સતત માનસિક તાણમાં રહેતી પ્રગતિએ આવેશમાં આવીને પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રગતિના આપઘાત અંગે ખબર પડતા જ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આ મામલે પરિવારે તાત્કાલિક પોલીસને જાણકારી આપી હતી. અમરોલી પોલીસે બનાવ સ્થળે પહોંચીને આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.

Related Articles

Back to top button