રાજકોટવાસીઓ ચેતજો : માત્ર 10 પાસ બની બેઠો હતો ડૉક્ટર, આ રીતે થયો પર્દાફાશ
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત બીજા દિવસે બોગસ તબીબ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બોગસ તબીબ માત્ર દસ પાસ હોવાનુ સામે આવ્યું છે.
રાજકોટ શહેરમાં જાણે કે, બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત બીજા દિવસે બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ હસમુખ ધાંધલીયા અને તેની ટીમને બાતમી મળી હતી કે, રાજકોટ શહેરના ચાંચડિયા ગામે સોમનાથ ક્લિનિક નામનું દવાખાનું ધનજી માવજીભાઈ સોરાણી નામનો વ્યક્તિ ચલાવી રહ્યો છે. જેની પાસે કોઈ પણ જાતની તબીબી પ્રેકટીસ માટેની માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી.
ત્યારે ચોક્કસ બાતમીના આધારે રેઇડ કરવામાં આવતા અલગ અલગ જાતની એલોપેથી દવા તથા મેડિકલ સાધનો તેમજ રોકડ રૂપિયા મળી કુલ 1830 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આઈપીસીની કલમ 419 તથા મેડીકલ પ્રેકટીશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ હાલ આરોપીની પૂછપરછ પણ શરૂ છે કે, આખરે તે કેટલા સમયથી આ પ્રકારે કોઈપણ જાતની માન્યતાપ્રાપ્ત ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતો હતો.