સ્વેટર, મફલર અને હાથ મોજા સાથે તૈયાર રહો, નલિયામાં લઘુતમ તાપમાન 5 ડીગ્રી નોંધાયું
અમદાવાદ: રાજ્યમાં માવઠા બાદ હવે ધીમે ધીમે ઠંડી (Cold)નું જોર વધી રહ્યું છે. સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છના નલિયામાં કોલ્ડ વેવ રહેશે. આ દરમિયાન કચ્છમાં ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત સાથે નલિયામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. નલિયાનું લઘુતમ તાપમાન ઘટીને 5 ડીગ્રી નોંધાયું છે. એટલે કે બે દિવસમાં નલિયાનું તાપમાન પાંચ ડીગ્રી સુધી ઘટી ગયું છે. જોકે, અન્ય શહેરોનું તાપમાન યથાવત નોંધાયું છે.
રાજ્યમાં અન્ય શહેરના લઘુતમ તાપમાન જોઈએ તો સામાન્ય તાપમાન કરતા ઊંચું નોંધાયું છે. અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 17.1 ડીગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન 17.6 ડીગ્રી, સુરતનું લઘુતમ તાપમાન 18.8 ડીગ્રી, રાજકોટનું લઘુતમ તાપમાન 13.2 ડીગ્રી, ભુજનું લઘુતમ તાપમાન 11.9 ડીગ્રી, નલિયાનું લઘુતમ તાપમાન 5 ડીગ્રી, ગાંધીનગરનું લઘુતમ તાપમાન 16.5 ડીગ્રી નોંધાયું છે.