गुजरात

કોરોનાનો કહેર : આજથી ત્રણ દિવસ માટે હાઇકોર્ટ બંધ, સેનિટાઇઝેશનનું કામ હાથધરાશે

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજથી ત્રણ દિવસ માટે કોર્ટનું કાર્ય બંધ રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે. હાઇકોર્ટ સંકુલને સેનિટાઇઝેશન માટે 12મીથી 14મી ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ ત્રણ દિવસ દરમિયાન કોર્ટની તમામ જ્યુડિશીયલ અને વહીવટી કામગીરી મોકૂફ રહેશે. 15મીથી કોર્ટ રાબેતા મુજબ કાર્યરત થશે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે હાઇકોર્ટના સીટિંગ જજ જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોના સંક્રમણથી નિધન થયું છે.

ચીફ જસ્ટિસ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોનાના વધી રહેલા કેસોના કારણે હાઇકોર્ટ 12થી 14મી ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાઇકોર્ટનું સમગ્ર સંકુલ, પોસ્ટ ઓફિસ, બેન્ક, જ્યુડિશીયલ એકેડમી સહિતની જગ્યાઓ સેનિટાઇઝ કરવામાં આવશે.

15મી સુધી હાઇકોર્ટનું ફિઝીકલ ફાઇલિંગ સેન્ટર પણ બંધ રહેશે, જો કે ઇ-ફાઇલિંગ પોર્ટલ આ સમયગાળા દરમિયાન કાર્યરત રહેશે. નવી ફાઇલ થયેલી અરજીઓ પર 15મીથી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત 14મીના રોજ લિસ્ટ થયેલા કેસો 15મીના લિસ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવશે.

Related Articles

Back to top button