અમદાવાદ: કોવિડ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા મહિલા વકીલનો મોબાઇલ ફોન ચોરાયો
અમદાવાદ: કોરોના વાયરસ ની બીમારી જ્યારથી શરૂ થઈ ત્યારથી સરકારી હૉસ્પિટલો નાં અનેક વિવાદો સામે આવ્યા હતા. લાશ બદલાઈ જવી, સારવાર ન મળવી, સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓનાં મોત કે મોબાઈલ ફોન (Mobile Phone) અને દાગીના ચોરાઈ જવાના કેસ સમયાંતરે નોંધાતા રહ્યા છે. આ ફરિયાદો વચ્ચે વધુ એક આવી જ ઘટના સામે આવી છે. શાહઆલમની જનકલ્યાણ હૉસ્પિટલ માં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ મહિલા વકીલ રાત્રે ઊંઘી ગયા ત્યારે તેમનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. સારવાર ચાલુ હોવાથી બાદમાં થોડા દિવસો બાદ તેઓએ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના કાગડાપીઠમાં રહેતા 41 વર્ષીય મહિલા વકીલાત કરે છે. ભદ્રની સીટી સિવિલ કોર્ટમાં તેઓ વકીલાત કરે છે. ગત 27મી ઓક્ટોબરે તેમની તબિયત લથડતા તેઓ એસવીપી હૉસ્પિટલ ગયા હતા. જ્યાં તેઓએ તપાસ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી એ.એમ.સીની ટીમે તેમના ઘર નજીકની શાહઆલમ ખાતેની જનકલ્યાણ હૉસ્પિટલમાં તેઓને રિફર કર્યાં હતાં. જેથી તેઓ તાત્કાલિક જનકલ્યાણ હૉસ્પિટલ પહોંચી ગયા હતા અને ત્યાં તેમની સારવાર શરૂ કરાઈ હતી.