સુરત: વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર સોનલ પાટીલની અટકાયત

સુરત: સુરતના વેપારીને ફોન પર બ્લેકમેલ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર યુવતીની પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. યુવતીએ ડેટા એન્ટ્રીના કામ ની તાલિમ માટે અમુક રકમ વેપારી પાસે જમા કરાવી હતી. વેપારી અને યુવતી વચ્ચે કામ મામલે થયેલા કરાર પ્રમાણે યુવતીએ આ રકમ વેપારીને ચૂકવવાની હતી. આ રકમ બ્લેકમેઇલ કરી પરત લેવા માટે યુવતીએ ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. જે બાદમાં વેપારીએ યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે જલગાંવની યુવતીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે પાર્લે પોઇન્ટ પર જયહિંદ સિંધી સોસાયટીમાં રહેતા નિતેષ વિજય ખવાની રિંગ રોડ પર વર્લ્ડ ટ્રેક સેન્ટરમાં જમીન દલાલીની ઓફિસ આવેલી છે. અગાઉ તેઓ આ ઓફિસમાં સેલિયન ઇન્ટેલક્યુચલ પ્રા.લિ.ના નામે ડેટા એન્ટ્રીનું કામ કરતા હતા. સિંગાપોર ખાતે આવેલી એક કંપની સાથે તેમણે આઉટસોસિંગનો એગ્રીમેન્ટ કર્યો હતો. દરમિયાન ફેબ્રુઆરી 2018માં સોનલ વિલાસ પાટીલે તેમનો સંપર્ક કરી ડેટા એન્ટ્રીનું કામ આપવા વાત કરી હતી.
સોનલબેન અને નિતેષ ખવાનીની કંપની વચ્ચે થયેલા ઓનલાઇન કરાર મુજબ કંપનીએ તેમને ડેટા એન્ટ્રીની ટ્રેનિંગ આપવાની હતી. જે મુજબ અલગ- અલગ ત્રણ કંપની દ્વારા ટ્રેનિંગ અપાઇ હતી. જેથી કંપની દીઠ પાંચ હજાર લેખે 15 હજાર ટ્રેનિંગ ચાર્જ ચૂકવવાની વાત થઈ હતી. જે અંતર્ગત સોનલ પાટીલે 10,164 રૂપિયાનું ઓનલાઇન પેમેન્ટ ચૂકવી દીધું હતું. નિતેષ ખવાનીએ બાકીના પેમેન્ટ માટે ફોન પર ઉઘરાણી કરી ત્યારે સોનલ પાટીલે એલફેલ વાતો કરી બાકીનું પેમેન્ટ ચૂકવવામાં ઠેંગો બતાવવાની સાથે ટ્રેનિંગ ચાર્જના ઓનલાઈન ચૂકવેલા 10,164 પરત મેળવી લીધા હતા.