રૂપાણી સરકારે શિક્ષકોની બદલીના મુદ્દે લીધો મોટો નિર્ણય, રાજ્યના હજારો શિક્ષકોને થશે અસર, જાણો નવો નિયમ
અમદાવાદઃ રાજ્ય સરકારે રાજ્યના હજારો પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોને અસર કરે તેવો નિર્ણય લઈને તેમની બદલી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમ પ્રમાણે હવે ધોરણ 1થી ધોરણ 5 (પ્રાથમિક શિક્ષણ) અને ધોરણ 6થી ધોરણ 8 (ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ) અલગ અલગ એકમ ગણાશે. આ એકમોમાં ફરજ બજાવતા શિક્ષક કે વિદ્યાસહાયકની બદલી પણ અલગ અલગ જ કરવાની રહેશે તેથી પરસપ્ર બદલી નહીં થઈ શકે.
નવા નિયમ પ્રમાણે વધઘટના કિસ્સામાં ધોરણ 1થી ધોરણ 5માં કામ કરતા શિક્ષકની બદલી ધોરણ 6થી ધોરણ 8ના એકમમાં નહીં થઈ શકે. એ જ રીતે ધોરણ 6થી ધોરણ 8ના શિક્ષકની બદલી ધોરણ 1થી ધોરણ 5ના એકમમાં નહીં થઈ શકે. આ રીતે પરસ્પર બદલી નહી થઈ શકે તથા એક જ સ્કૂલમાં પણ બદલી નહી કરી શકાય. વધ-ઘટ બદલી કેમ્પના કિસ્સામાં સરકારના આ સુધારેલા નિયમો લાગુ થશે.
રાજ્યમાં આવેલી જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની સરકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની કોર્પોરેશનની ધોરણ 1થી ધોરણ 8નીસ્કૂલોમાં શિક્ષકોની કે વિદ્યાસહાયકોની બદલીને લઈને અત્યાર સુધી ત્રણ ઠરાવ થયા છે. આ ઠરાવમાં જરૂરી સુધારા સમયાંતરે થયા છે. આ નિયમો અંગે અસંતોષ હોવાથી પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષક કે વિદ્યાસહાયકની બદલી માટે નિયમોમાં સુધારાનો ઠરાવ કર્યો છે.