गुजरात

‘ચંદા દો.. ધંધા લો…’ સુરતના તડકેશ્વર ગામની ટાંકીના કોન્ટ્રાક્ટરે ભાજપને ચૂંટણી ફંડ આપ્યું હતું! | Surat Tank Project Row: Contractor Accused of Donating Election Funds to BJP



Surat Tank Project Row: સુરત જિલ્લાના તડકેશ્વરમાં 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી પાણીની ટાંકી ચકાસણી દરમિયાન જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, નબળી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર ‘જયન્તી સુપર કન્સ્ટ્રક્શન’ દ્વારા ભાજપને ચૂંટણી ફંડ આપવામાં આવ્યું હતું, જેના કારણે સરકાર કડક કાર્યવાહી કરવાને બદલે ઢીલી નીતિ અપનાવી રહી છે.

શું છે સમગ્ર વિવાદ?

તડકેશ્વર ગામે લોકોની સુવિધા માટે કરોડોના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જોકે, કામ પૂર્ણ થયા બાદ જ્યારે પાણી ભરીને તેની ચકાસણી કરવામાં આવી રહી હતી, ત્યારે જ આખી ટાંકી તૂટી પડી હતી. આ ઘટનાએ બાંધકામની ગુણવત્તા અને તેમાં થયેલા લોટ-પાણી-ને-લાકડા જેવા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે.

ચૂંટણી ફંડ અને ‘ચંદા દો, ધંધા લો’ના આક્ષેપો

આ ટાંકીના કોન્ટ્રાક્ટર જયન્તી સુપર કન્સ્ટ્રક્શને ભાજપને ચૂંટણી ફંડ પેટે વિવિધ બેન્કોના પાંચ ચેક મારફતે 1 લાખ રૂપિયાની રકમ આપી હતી. વિપક્ષ અને સામાજિક કાર્યકરો આક્ષેપ કરી રહ્યા છે કે, ભાજપ શાસિત વ્યવસ્થામાં ‘ચંદા દો, ધંધા લો’નું મોડેલ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરો ફંડ આપે છે અને બદલામાં તેમને કરોડોના કામો સોંપવામાં આવે છે. નબળું કામ હોવા છતાં કોન્ટ્રાક્ટરો બેખોફ છે કારણ કે તેમને રાજકીય રક્ષણ મળી રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં શીત લહેર, છેલ્લા 24 કલાકમાં પાંચ શહેરોનું તાપમાન સિંગલ ડિજિટમાં

સરકારની કામગીરી સામે સવાલ

આટલી મોટી દુર્ઘટના અને લાખો નાગરિકોના જીવ જોખમમાં મૂકાયા હોવા છતાં, રાજ્ય સરકારે હાલમાં માત્ર નોટિસ ફટકારીને સંતોષ માન્યો છે. જયન્તી સુપર કન્સ્ટ્રક્શન પાસે દક્ષિણ ગુજરાતમાં બીજા પણ અનેક કરોડોના પ્રોજેક્ટ્સ છે. આ તમામ પ્રોજેક્ટ્સની નિષ્પક્ષ તપાસ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી.

ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ કરવાની માંગ

છેલ્લા બે દાયકામાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં વિકાસના નામે અપાયેલા ટેન્ડરોની જો પારદર્શક તપાસ થાય, તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે, દરેક દુર્ઘટના પછી ‘ચમરબંધીને નહીં છોડાય’ તેવી વાતો કરતી સરકાર વાસ્તવમાં પોતાના જ મળતીયા કોન્ટ્રાક્ટરોને બચાવી રહી છે?

તડકેશ્વરની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત જનતાના ટેક્સના પૈસાનું ધોવાણ કરી રહી છે.



Source link

Related Articles

Back to top button