સુરત : વરાછાથી નીકળેલી મહિલાનો દુપટ્ટો બાઈકમાં ફસાતા પછડાઈ, ઘટના સ્થળે મોત
બાઈક પર જતી મહિલાઓ સામાન્ય રીતે દુપટો પહેરીને બેસતી હોય છે ત્યારે આવી મહિલાઓનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પોતાના પુત્ર સાથે બાઈક પર જતી માતાનો દુપટો બાઇકમાં આવી જતા બાઈક પરથી નીચે પટકાયેલ મહિલાનું કરુણ મોત થયું છે. વરાછાથી પુત્ર સાથે મોટરસાયકલ પર જતી વેળાએ દાંડી રોડ પર મોઢા પર બાંધેલો દુપટ્ટો બાઇકના વ્હીલમાં ફસાઈ જતા મહિલા નીચે પટકાતા મોતને ભેટયા હતા. જોકે તેમના બે પુત્રને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.
ઓલપાડ તાલુકાના દિહેણગામમાં બેંક ફળિયામાં રહેતા 47 વર્ષીય ઉષાબેન રમણભાઈ પટેલ મંગળવારે વરાછાના હીરા બાગ ખાતે રહેતી તેમની બહેનની પુત્રીનો જન્મ દિવસ હોવાથી પુત્રો સાથે ત્યાં ગયા હતા. વરાછાથી મંગળવારે સાંજે તેમનો 22 વર્ષીય પુત્ર જેનિસ અને 16 વર્ષીય ઋતિક સાથે ઉષાબેન મોટરસાયકલ પર ઘરે આવવા નીકળ્યા હતા.
તે સમયે દાંડી રોડ પર કુકણી ફાટક પાસે બસ સ્ટેન્ડ નજીક ઉષાબેનને કોરોનાથી બચવા માટે મોઢા પર બાંધેલો દુપટ્ટો બાઇકની વ્હીલ ફસાઈ જતા ઉષાબેન નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી જ્યારે તેમના પુત્રોને પણ સામાન્ય ઈજા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.જોકે ગંભીર ઈજા પામેલા ઉષાબેન ને તાકીદે સારવાર માટે રાંદેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
અન્ય બનાવમાં મજૂર પર ટેમ્પોના પૈડા ફરી વળતા મોત
‘ન જાણ્યુ જાનકીનાથે કાલે શું થવાનું’, આ કહેવત સુરતના એક અકસ્માતમાં સાર્થક થઈ છે. જ્યાં એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કાળિમજૂરી કરીને રસ્તા પર ઊંઘી ગયેલા મજૂરને સ્વપ્નમાં જ કાળ ભરખી ગયો હતો. મજૂર બિચારો રોડ પર ઊંઘી રહ્યો હતો ત્યારે કાળમુખા ટેમ્પોના પૈડા તેની પર ચઢી જતા તેની જાંઘનો ભાગ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજી ગયું હતું.
જ્યારે એક ટેમ્પો ચાલકની ઘોર બેદરકારીના કારણે મજૂરી કરી પેટિયું રળવા નીકળેલા એક નિર્દોષ ગરીબનો ભોગ લેવાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પહોંચી ગયો હતો, એ પહેલાં એમ્બ્યુલન્સ પણ બોલાવાની પ્રક્રિયા કરાઈ હતી જોકે, મેડિકલ મદદ મળે તે પહેલાં એક લાચારનો દિવો ઓલવાઈ ગયો હતો.