‘તને મોઢું બતાવવા લાયક નહીં રહેવા દઉં,’ અમદાવાદની મહિલા વકીલને યુવકની ધમકી
અમદાવાદ: વકીલાતની પ્રેક્ટિસ કરતી મહિલાને એક શખ્સે વોટ્સએપ ગ્રુપ માં એડ કરતા મહિલાએ ગ્રુપમાં લખ્યું હતું કે આ યુવક ફ્રોડ ગેમ ચલાવે છે. જેથી આ યુવકે આવેશમાં આવીને તેને ધમકીઓ આપતા મામલો પોલીસ સ્ટેશન માં પહોંચ્યો હતો અને મહિલાએ આ યુવક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહિલાની ફરિયાદ પ્રમાણે યુવકે તેને ગાળો ભાંડવાની સાથે સાથે ધમકી પણ આપી હતી.
અમદાવાદના હાંસોલમાં રહેતી 32 વર્ષીય યુવતી તેના પિતા સાથે રહે છે અને ગુજરાત હાઇકોર્ટમાં ચાર વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરે છે. આ યુવતીને વોટ્સએપ મારફતે મોહિત નામના યુવક સાથે વાતચીત થતી હતી. આ યુવક ‘મુસ્કુરાયેગા ઇન્ડિયા’નું ઓનલાઇન ગેમનું વોટ્સએપ ગ્રુપ ચલાવતો હતો. આ યુવકે મહિલાને આ ગ્રુપમાં એડ કરી હતી. જે બાદમાં મહિલાને જાણવા મળ્યું હતું કે મોહિત ફ્રોડ ગેમનું ગ્રુપ ચલાવે છે. જેથી આ યુવતીએ ગ્રુપમાં ચેતવણી આપી હતી કે મોહિત નામનો આ વ્યક્તિ ફ્રોડ ગ્રુપ ચલાવે છે, તેનાથી ચેતતા રહેજો.