राष्ट्रीय

AI ચશ્મા, એન્ટિ ડ્રોન અને સ્નાઈપર કવર… 26 જાન્યુઆરીએ દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા | Republic Day 2026: Delhi Under AI Surveillance and Multi Layer Security


Republic Day 2026 : 26 જાન્યુઆરી, 2026ના રોજ ભારત 77મો પ્રજાસત્તાક દિવસ ઊજવવા જઈ રહ્યું છે. દેશની શાન સમાન પરેડ કર્તવ્ય પથ પર યોજાવાની છે. આ ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય એ માટે દિલ્હી અને NCRમાં અત્યાર સુધીની સૌથી આધુનિક અને બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થા માત્ર પોલીસ બંદોબસ્ત સુધી મર્યાદિત નથી. અદ્યતન ટેક્નોલોજી, મલ્ટિપલ ડેટા અને મજબૂત સંકલન— આ ત્રણેયનું સંયોજન કરીને એક મજબૂત સુરક્ષા ગ્રીડ ઊભી કરાઈ છે.

શહેરભરમાં સુરક્ષાકર્મીઓની બાજનજર અને સઘન તપાસ  

પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોએ શહેરભરમાં પેટ્રોલિંગ વધાર્યું છે. મુખ્ય રસ્તા, મેટ્રો સ્ટેશનો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ભીડભાડવાળા વિસ્તારોમાં સતત ચકાસણી ચાલી રહી છે. રાજધાનીમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના તમામ મુખ્ય માર્ગો પર ચેકપોઇન્ટ સ્થાપિત કરાયા છે, જ્યાં વાહનોની સઘન તપાસ થઈ રહી છે. કર્તવ્ય પથ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ લોકોની હિલચાલ પર ખાસ નજર રખાઈ રહી છે. આ વ્યવસ્થાનો હેતુ કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ તેને અટકાવવાનો છે.

AI ચશ્મા, એન્ટિ ડ્રોન અને સ્નાઈપર કવર... 26 જાન્યુઆરીએ દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા 2 - image

પરંપરાગત સુરક્ષાને ટેક્નોલોજીનો સહારો

આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાનું સૌથી મહત્ત્વનું પાસું છે— અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ. પસંદગીના પોલીસ કર્મચારીઓને AI-સંચાલિત સ્માર્ટ ચશ્મા અપાયા છે. આ ચશ્મા ભીડમાં રહેલા લોકોના ચહેરા સ્કેન કરીને તરત જ પોલીસ ડેટાબેઝ સાથે તેની તુલના કરે છે. જો કોઈ વ્યક્તિનું વર્તન શંકાસ્પદ જણાય કે પછી અગાઉ ગુનામાં સંડોવાયેલ કોઈ વ્યક્તિ દેખાય તો સિસ્ટમ તરત જ ચેતવણી આપે છે. આ ટેક્નોલોજીથી પોલીસને ભીડમાં છુપાયેલા જોખમોને ઝડપથી ઓળખવામાં મદદ મળે છે, જેને લીધે માનવીય નજરથી થતી ચૂક નિવારી શકાય. 

અંધારા ઉલેચતી ટેક્નોલોજી

સુરક્ષા માટે થર્મલ ઇમેજિંગ સિસ્ટમ્સ અને વીડિયો એનાલિટિક્સનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, જેથી અંધારિયા વિસ્તારોમાં થતી શંકાસ્પદ હલચલ પર પણ નજર રાખી શકાય.

AI ચશ્મા, એન્ટિ ડ્રોન અને સ્નાઈપર કવર... 26 જાન્યુઆરીએ દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા 3 - image

એન્ટી-ડ્રોન સિસ્ટમ વડે આકાશમાં કડક પહેરો

આજના સમયમાં ડ્રોનનો ઉપયોગ કોઈપણ પ્રસંગની સુરક્ષા માટે મોટો પડકાર બની જતો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કર્તવ્ય પથ અને આસપાસના હાઇ-પ્રોફાઇલ વિસ્તારો પર એન્ટિ-ડ્રોન યુનિટ્સ તહેનાત કરાયા છે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. જો કોઈ અનધિકૃત ડ્રોન આકાશમાં પ્રવેશે તો તેને તરત ઓળખીને નિષ્ક્રિય કરવાની વ્યવસ્થા પણ છે. 

ઊંચાઈ પરથી નજર રાખવા સ્નાઈપર તહેનાત

સુરક્ષાના વધુ એક સ્તર તરીકે કર્તવ્ય પથની આસપાસની ઊંચી ઇમારતો પર પ્રશિક્ષિત સ્નાઈપર ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમની જવાબદારી છે કે કોઈ પણ અસામાન્ય હલચલ પર તરત પ્રતિક્રિયા આપવી અને મોટું જોખમ અટકાવવું.

આ પણ વાંચો : ચૂંટણી પ્રક્રિયાને લઈ રાષ્ટ્રપતિ મુર્મૂની દેશવાસીઓને અપીલ, જાણો શું કહ્યું

પડદા પાછળની વ્યાપક સુરક્ષા કામગીરી 

જાહેર દેખાતી સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત પડદા પાછળ પણ વ્યાપક સુરક્ષા કામગીરી ચાલી રહી છે. નવી દિલ્હીની હોટલો, ગેસ્ટ હાઉસ, ભાડાના મકાનો અને ઘરેલું કર્મચારીઓની વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં છુપાઈને ન રહી શકે. બજારો, રહેણાંક વિસ્તારો અને પરિવહન કેન્દ્રો જેવા સ્થળોએ પણ ખાસ નજર રખાઈ રહી છે, જ્યાં સામાન્ય રીતે લોકોની અવરજવર વધુ રહે છે.

એકથી વધુ સુરક્ષા એજન્સી વચ્ચેનું સંકલન 

આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા એકલા દિલ્હી પોલીસ પર આધારિત નથી. તેમાં અર્ધસૈનિક દળો, ગુપ્તચર એજન્સીઓ અને અન્ય સુરક્ષા સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરોમાંથી શહેરભરના હજારો સીસીટીવી કેમેરાની ફીડ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

જનસહયોગ માટે પણ પોલીસની અપીલ

પોલીસે સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ, વસ્તુ અથવા વ્યક્તિ જોવા મળે તો તેઓ તરત સુરક્ષા પ્રબંધકોને જાણ કરે. જનસહયોગને સુરક્ષાનો મહત્ત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધી ચિંતિત, જાણો શું કહ્યું



Source link

Related Articles

Back to top button