ગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે?
ગાંધીનગર: ગુજરાતની આઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ની જાહેરાત સાથે જ ભાજપમાં ઉમેદવારોના નામને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આઠ વિધાનસભા બેઠકો માટે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ સાથે બેઠક મળવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેટા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપે જે સર્વે કરાવ્યો છે તેમાં આઠમાંથી ચાર બેઠક વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ગુમાવવાનો વારો આવે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. લીંબડી, મોરબી, કરજણ, ધારીમાં ભાજપને હારનો સામનો કરવો પડે તે પ્રકારની ચોંકાવનારી માહિતી સર્વેમાં સામે આવી છે.
ખાસ કરીને એન્ટી ઇન્કમ્બન્સી સહિત સ્થાનિક મુદ્દા ભાજપને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાની વિગતો સામે આવતા જ આજે તાબડતોબ પેટા ચૂંટણીની જવાબદારી સંભાળતા તમામ લોકોની બેઠક બોલવામાં આવી છે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે તમામ બેઠકો પર 15 દિવસ બાદ ફરી સર્વે કરવા આવશે. સિનિયર નેતાઓ પણ આ ચાર બેઠક પર આગામી સપ્તાહમાં મુલાકાત લઈને કાર્યકરોનું મન જાણવાનો પ્રયાસ કરશે. પાર્ટી સૂત્રો તો એમ પણ કહી રહ્યા છે કે કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ પાંચ પૂર્વે ધારાસભ્યોને વિધાનસભાની ટિકિટ આપવાનું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ પરિસ્થિતિને જોતા હવે તેમાં પરિવર્તન આવે તો કોઈ નવાઈ નહીં!