રાજકોટમાં કોરોના વાયરસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું, બેની ધરપકડ
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયરસનો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મૃત્યુઆંક પણ સતત વધતો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં તેમજ જિલ્લાની અંદર રોજના દોઢસો જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોના મહામારીના કપરા સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે આપવામાં આવનાર જુદા જુદા ઇન્જેક્શનનાં કાળા બજાર થતો હોવાનું સામે આવ્યું છે.
ઇન્જેકશનનું બોગસ બિલિંગ કૌભાંડ
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોરોના વાયરસમાં વપરાતા ઇન્જેકશનનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. કોવીફોર 100 એમજી ઇન્જેક્શનનું 4.54લાખનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થીયોસ ફાર્માસ્યુટિકલના સંચાલક સચિન પટેલ તેમજ ઝાયડસ કેડીલા કંપનીના સૌરાષ્ટ્રના એમઆર રજનીકાંત ફળદુની ધરપકડ કરી છે. સમગ્ર મામલે ઇન્જેક્શનનો જથ્થો કોને વેચવામાં આવ્યો છે તે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.