गुजरात

ગુજરાત વિધાનસભામાં હંગામો, નીતિન પટેલે સાથે વિવાદ થતા કોંગી ધારાસભ્યએ ગૃહમાં માઇક ફેંક્યુ

ગુજરાત વિધાનસભા ગૃહમાં મંગળવારે મોડી રાતે હોબાળો મચ્યો હતો. કૉંગ્રેસનાં ધારાસભ્ય નૌસાદ સોલંકીના નિવેદનો પર ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ કોંગ્રેસના ધારાસભ્ય વેલમાં ઘસી આવ્યા હતા અને ગેલેરીમા બેઠેલા કોંગ્રેસના ધારાસભ્યોએ નીતિન પટેલ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગૃહમાં બંન્ને પક્ષો વચ્ચે શાબ્દિક તકરાર વચ્ચે કૉંગ્રેસનાં ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોતાનું માઇક ગેલેરી 4માંથી ગૃહમાં ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે મજૂર વિરોધી સરકાર નહીં ચલેગીનાં નારા પણ ઉચ્ચાર્યા હતા. આ બધા દરમિયાન વિધાનસભા અધ્યક્ષે ગેરવર્તણૂક બદલ ઠપકો પણ આપ્યો હતો.

આ બાબતે નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે ધારાસભ્ય નૌસાદ સોલંકીને ઉદ્દેશીને કહ્યું કે, બિલમાં બાબા સાહેબ આંબેડકરથી શરૂઆત કરે છે, પોતે કોન્ટ્રાક્ટર છે, મજૂરોના શોષણ અંગે બધી ખબર છે. તમે ઘરમાં કે ખેતરમા મજૂર રાખો ત્યારે પગાર બાબતે ધ્યાન રાખો છો? જે બાદ કૉંગ્રેસનાં ધારાસભ્ય નૌશાદે કહ્યું કે, નીતિન પટેલે ગઈકાલે પણ મને કોન્ટ્રાક્ટર બોલ્યા હતા. આમ બોલીને નૌશાદે ગૃહમાં માઈકનો છુટ્ટો ઘા કર્યો હતો. જોતજોતામાં ભાજપ-કોંગ્રેસના સભ્યોમાં હોહા મચી હતી. કોંગ્રેસના તમામ ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા અને નીતિન પટેલ માફી માગેના નારા લગાવ્યા હતા. ધારાસભ્ય નૌસાદે કહ્યું કે, હું કોન્ટ્રાક્ટર છું તેવું નીતિન પટેલ સાબિત કરે અથવા તો માફી માગે, જ્યાં સુધી માફી નહિ માગે ત્યાં સુધી ગૃહમાં જ ધરણાં પર બેસવાની જાહેરાત કરી હતી.

Related Articles

Back to top button