દોસ્ત દોસ્ત ના રહા! દારૂની લતને છોડવાની સલાહ આપતા મિત્રએ લોખંડનાં સળિયાથી માર્યો માર
અમદાવાદ : જીવનમાં જ્યારે કોઈ આડા રસ્તે ચઢી જાય ત્યારે તેને યોગ્ય રસ્તે લાવવા માટે સૌથી પહેલું કામ મિત્ર જ કરતો હોય છે. શહેરમાં રહેતા એક વેપારીએ પણ આવું જ કંઈક કર્યું. તેનો બાળપણનો મિત્ર દારૂની લતે ચઢી જતા તે સમજાવવા ગયો તો તેના મિત્રએ તેને સળિયાથી માર માર્યો હતો. જેને લઈને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
ખોખરામા રહેતા હેમંતભાઈ તે જ વિસ્તારમા ઝેરોક્સની દુકાન ધરાવે છે. તેમની સોસાયટીમાં તેમનો નાનપણનો મિત્ર સુશીલ રહે છે. ગુરુવારના રોજ તે બંને મિત્રો ચાલવા નિકળ્યા હતા. ત્યારે હેમંતભાઈએ સુશીલને કહ્યું કે, તું દારૂ પીવાની ટેવ છોડી દે. જેથી સુશીલએ આવેશમાં આવીને કહી દીધું કે, હું ક્યા તારા પૈસે પીવુ છું. આ જ વાતને લઈને બંને વચ્ચે ઝગડો થયો હતો.
બાદમાં સુશીલે બોલાચાલી કરી અને બાદમાં હેમંતભાઈને લોખંડના સળિયાથી માર માર્યો હતો. જોકે, તેઓએ બૂમાબૂમ કરતા સુશીલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં હેમંતભાઈની પત્નીને જાણ થતા તેઓને એલજી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાવી ખાનગી દવાખાને ખસેડયા હતા. બાદમાં હેમંતભાઈએ તેમના મિત્ર સુશીલ સામે ફરિયાદ આપતા ખોખરા પોલીસે આ મામલે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
સુરતમાં દારૂનાં નશામાં મિત્રની હત્યા કરી
સુરતમાં દારૂનો નશો કરાવીને યુવતી મિત્રને જીવતી સળગાવી દેવાની ઘટનાએ ચકચાર મચાવી દીધું હતું. સપ્ટેમ્બરની 6 તારીખે સુરતના મગદલ્લા વિસ્તારની ભૈયા સ્ટ્રીટમાં આવેલા એક બંગલાના ઉપરના માળે વનિડા નામની એક થાઈ યુવતીની સળગી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસને આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સ્પામાં કામ કરતી વનિડાની હત્યા તેની જ મિત્ર એડાએ કરી હોવાની સત્તાવાર જાહેરાત એક પ્રેસ કોન્ફરન્સમાં સુરત પોલીસ કમિશનર અજય તોમાર દ્વારા કરવામાં આવી છે.