માસ્ક ન પહેરવામાં અમદાવાદીઓ હજુ પણ અવ્વલ, દંડની કાર્યવાહીમાં 600 ટકાનો વધારો
અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા ફરજીયાત માસ્ક પહેરવાના આદેશ બાદ પણ અમદાવાદી ઓ બેદરકાર જોવા મળી રહ્યા છે. માસ્ક નહીં પહેરવાના કેસોમા 600% વધારો નોંધાયો છે. આ બદલ અમદાવાદ પોલીસે અત્યાર સુધીમાં 4.67 કરોડનો દંડ વસૂલ્યો છે. માસ્ક નહીં પહેરનાર લોકો વિરૂદ્ધ પોલીસ એકશન મોડમાં આવી છે પરંતુ લોકો દંડ ભરવા કરતા જાતે જ નિયમોનું પાલન કરે તે વધારે હિતાવહ છે. કારણ કે અમદાવાદ શહેરમાં કોરોના ફરીથી માથું ઊંચકી રહ્યો છે. શહેરમાં કેસ ધીમે ધીમે વધી રહ્યા છે.
માસ્ક વગર નીકળતા લોકો સામે પોલીસે અનેક મહિનાઓથી લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં 1.76 લાખ લોકોને દંડ ફટકાર્યો છે. કુલ 4.67 કરોડથી વધુ દંડની રકમ વસૂલવામાં આવી છતાંય લોકો સુધરવાનું નામ નથી લેતા. કોરોનાં વાયરસનાં કારણે અમદાવાદમાં લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં માસ્ક વગર જાહેરમાં નીકળનાર વ્યક્તિની પાસેથી પોલીસે પહેલા 500 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો અને હવે એક હજાર રૂપિયાનો દંડ વસૂલે છે. આ કારણે શહેરમાં માસ્ક વિના નીકળતા શહેરીજનો અને પોલીસ વચ્ચે દંડ બાબતે ઘર્ષણના પણ કિસ્સા સામે આવી રહ્યા છે.
કોરોનાનાં કેસ શરૂ થયા ત્યારથી અત્યાર સુધી અમદાવાદમાં જાહેરમાં થૂંકનારા તેમજ માસ્ક નહીં પહેરનાર લાકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓગષ્ટમાં માસ્ક નહીં પહેરવાના 212 કેસની સામે સપ્ટેમ્બરમાં 1,520 કેસ કરવામા આવ્યા છે. માસ્ક નહીં પહેરવાના નિયમનો ભંગ કરવાના કેસોમા 600 ટકાનો વધારો થયો છે, જે ખૂબ જ ચિંતાજનક છે.
માસ્ક નહીં પહેરવાના અનેક બહાના
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે માસ્ક વગર બહાર નીકળનારા લોકો અને પોલીસ વચ્ચે દંડની રકમને લઇને ધર્ષણની ધટનાઓ વારંવાર બની રહી છે. હાલમાં જ વસ્ત્રાપુર વિસ્તારમાં માસ્ક વગર કારમાં નીકળેલી મહિલા અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. નારણપુરા અને મેમ્કોમાં પણ ઘર્ષણ બાદ ગુનો નોંધાયા છે. ત્યારે શહેર પોલીસ કોરોના મહામારી વચ્ચે લોકોને જાગૃત કરવા હવે કાયદેસર પગલા શરૂ કર્યા છે. એટલુ જ નહીં, માસ્ક નહીં પહેરવા બાબતે લોકોના અજીબો ગરીબ બહાનાથી પોલીસ પણ કંટાળી છે. લોકોને જ્યારે પકડવામાં આવે છે ત્યારે ઘરેથી હાલ જ નીકળ્યા, અહીં નજીકમાં જ જવું છે, ચા પીવા ઊભા છીએ, માસ્ક તૂટી ગયું જેવા હાસ્યાસ્પદ બહાના કરતા જોવા મળે છે.