અમદાવાદ : તું મને ગમતી નથી અને કંઇ દહેજ પણ નથી લાવી, પત્નીએ નોંધાવી ફરિયાદ
અમદાવાદ : શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, તેને તેના પતિએ દહેજ લાવવાનું કહ્યું અને દહેજ ન લાવતાં તું મને ગમતી નથી તેમ કહી તેને તરછોડી દીધી હતી. જોકે, સમગ્ર મામલે નરોડા પોલીસે ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ ફરિયાદ નોંધી હતી. પરંતુ પરિણીતાના પરિવારનો આક્ષેપ છે કે, માત્ર પતિ જ નહીં પરંતુ સાસરિયાઓ પણ ત્રાસ આપતા હોવા છતાં તે લોકોના નામ ફરિયાદમાં લખ્યા ન હતા. ત્યારે તપાસ કરનાર અને ફરિયાદ લેનાર પીએસઆઇની કાર્યવાહી પર અનેક શંકાઓ ઉપજી રહી છે.
નરોડામાં રહેતી 25 વર્ષીય યુવતીના વર્ષ 2016માં મેઘાણીનગર ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તે તેના સાસરિયાઓ સાથે રહેતી હતી અને લગ્ન બાદ તેને એક દીકરાને જન્મ આપ્યો હતો. પરંતુ સાસરીમાં ઘરકંકાસ શરૂ થતાં આ પરિણીતા તેના પતિ સાથે અલગ મકાનમાં રહેવા ગઇ હતી.આ દરમિયાન તેના પતિ તેની પર શંકા રાખી તેની સાથે ઝઘડા કરતો હતો અને માર મારી તું નથી ગમતી અને દહેજમાં પણ કઈ લાવી નથી તેમ કહી ત્રાસ આપતો હતો.
રક્ષાબંધનના તહેવાર દરમિયાન આ પરિણીતા તેના માતા પિતાને ઘરે ગઈ હતી ત્યારે પણ તેના પતિએ ઝઘડો કર્યો હતો અને તેને પિયર મૂકી ગયો હતો.