કોરોના સંકટ / સુરત શહેરનો પ્રથમ કિસ્સો, 55 દિવસ કોરોના વોર્ડમાં ફરજ પર તૈનાત 36 વર્ષના યુવા તબીબનું મૃત્યુ
સુરત. ‘હું જલ્દી પાછો આવીશ તમે સહેજ પણ ચિંતા નહીં કરતાં, પરંતુ તમે મારી વાત ધ્યાનથી સાંભળો કોરોનાથી મારી તબિતય વધારે ખરાબ થઈ છે અને મને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યો છે એ વાત મારા મમ્મીને નહીં કહેતા નહીંતર એમનાથી સહન નહી થાય.’ આ અંતિમ શબ્દો હતાં 36 વર્ષના તબીબ હિતેષ લાઠિયાના.! કોરોનાની 15 દિવસની સારવાર બાદ બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. 55 દિવસ સુધી અનેક દર્દીઓની સારવાર કરીને સાજા કરીને ઘરે મોકલનાર ડોક્ટરનું જ અવસાન થતાં શહેરના તબીબો તેમજ લાઠિયા પરિવાર શોકમગ્ન થયા છે. આ સાથે હોસ્પિટલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા લાઠિયા પરિવારને 85 હજારની મદદ કરી હતી.
ગુજરાતના પ્રખ્યાત કવિ સંજુવાળાએ આ તસવીર જોયા બાદ પોતાની લાગણી આ રીતે શબ્દો દ્વારા રજૂ કરી
હજુ કેવા યોદ્ધાની આહુતિ માગી કહે ભરશે ખપ્પર તું કેવું ? અભાગી !
છતાં યુદ્ધ ચાલું ને ચાલું જ રહેશે તને મ્હાત કરવા જો રણભેરી વાગી !!
ફર્સ્ટ પર્સન: ડો.નિરજ પટેલ અને ડો.જરીવાલા, હિતેશની સારવાર કરનાર ડોક્ટર: કોવિડ વોર્ડ શરૂ કરવાની વાત આવી ત્યારે કહ્યું ‘હું દર્દીની સારવાર કરીશ’
‘જ્યારે વિનસ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવારની વાત આવી ત્યારે ડોક્ટર હિતેશે ઉત્સાહથી સૌથી પહેલા કહ્યું હતું કે,‘હું કોરોના દર્દીઓની સારવાર કરીશ.’ સતત 12 કલાક ડ્યુટી કરીને મળે તો પણ સતત હસતાં હોય તેમના ચહેરા પર મેં ક્યારેય કંટાળો જોયો નથી. ડોક્ટર હિતેશ હોસ્પિટલમાં એડમિટ થયા ત્યારે તેમના તેમના માતાને પણ કોરોનાને કારણે હોસ્પિટલમાં જ દાખલ હતાં. કોરોનાગ્રસ્ત માતા, કાકા, કાકી અને પત્નીની પોતે જ સારવાર કરી હતી. અંદાજે 15 દિવસ પહેલા તેમને તાવ આવતા અમે હોસ્પિટલમાંથી રજા આપી. પરંતુ ત્યાર પછી તબિયત ખરાબ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. બાદ તેમને ઓક્સિજનની જરૂર પડવા લાગી. તેમને રેમ્બેડેસિવિર ઈંજેક્શન પણ અપાયા. આખરે વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતાં. ત્યાર પછી છેલ્લા ઓપ્શન તરીકે ઈસીએમઓ મશીન પર મુકવાનું નક્કી કર્યુ હતુ. ગઈ કાલે જ્યારે અમે સિટી સ્કેન કર્યુ ત્યારે તેમના મગજની નસ ફાટી ગઈ હોય તેવું લાગ્યું, સવારે તેમણે અંતિમ શ્વાસ લીધો.’