મહીસાગર : BJPના કાર્યકરના જન્મદિનની ઉજવણીમાં બીયરની રેલમછેલ, જાહેરમાં ટોળા વચ્ચે તલવારથી કેક કાપી
મહીસાગર : સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના યુવાન કાર્યકરના જન્મદિનની ઉજવણીના પ્રસંગમાં જાહેરમાં બીયરની બોટલો ઉછળી અને કેક કપાઈ હોવાના એક વાયરલ વીડિયોથી સમગ્ર મધ્યગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના આ કથિત વીડિયોમાં યુવા મોરચના કાર્યકર કવન પટેલનો તલવારથી કેક કાપીને ટોળા વચ્ચે જન્મદિન ઉજવવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ હરકતમાં આવ્યા અને તેમણે વીરપુર પોલીસને જાણ કરી હતી.
બનાવની વિગત એવી છે કે સોશિયલ મીડિયામાં મહિસાગર જિલ્લાના એક જન્મદિનની ઉજવણીના પ્રસંગનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવાનાના ટોળાએ જાહેરમાં કેક કાપીને એક યુવકનો જન્મદિવસ ઉજવ્યો. જન્મદિવસ ઉજવવો એ કોઈ ખોટી બાબત નથી પરંતુ પોલીસના જાહેરનામા મુજબ અનેક જિલ્લામાં તલવારથી કેક કાપવાની મનાઈ છે. વધુમાં રાજ્યમાં દારૂબંધી છે. આ કિસ્સામાં તો ભાજપના કાર્યકરના જન્મદિવસમાં બિયરની રેલમછેલ થઈ છે.