અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે કોટ વિસ્તાર માટે શું છે રાહતના સમાચાર? જાણો વિગત
અમદાવાદઃ કોરોનાના કહેર વચ્ચે શહેરના કોટ વિસ્તારના સંકટના વાદળો દૂર થવાના સંકેત જોવા મળી રહ્યા છે. છેલ્લા 25 દિવસમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે શહેરના અન્ય વિસ્તાર કે જ્યાં ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોનમાં કેસ સતત વધી રહ્યા છે.
અગાઉ કોટ વિસ્તારમાં દૈનિક 50-60 કેસ નોંધાતા હતા, જ્યાં હાલ દૈનિક 25-35 કેસ નોંધાઈ રહ્યા છે. મધ્ય ઝોનમાં 21 મે સુધી 2646 કેસ નોંધાયા છે, જે 25 દિવસ બાદ 3737 સુધી પહોંચ્યા છે. 25 દિવસ પહેલા અહીં 1123 એક્ટિવ કેસ હતા, જે ગઈ કાલ સુધી 376 સુધી પહોંચ્યા છે. જયારે અત્યાર સુધી 1764 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
જોકે સારા સમાચારની સાથો સાથે પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોન માટે પરિસ્થિતિ વણસતી જોવા મળી રહી છે. અહીં વાત કરીએ 25 દિવસનાં તફાવતની તો કેસની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. પશ્ચિમ અમદાવાદમાં 21 મે સુધી કોરોનાના કુલ ૯૪૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે 25 દિવસ બાદ એટલે કે ૧૫ જૂન સુધીમાં 2178 સુધી આંકડો પહોંચ્યો છે. વાત કરીએ પશ્ચિમ ઝોનના એક્ટિવ કેસની તો તેમાં પણ વધારો થયો છે. 21 મેના રોજ પશ્ચિમ ઝોનમાં 507 એક્ટિવ કેસ હતા, જે 15 જુનના રોજ 660 છે.
ઉત્તર ઝોનમાં પણ ૨૫ દિવસમાં કોરોનાના બમણાં કેસ નોંધાયા છે. 21 જૂનના રોજ અહીં કુલ કોરોનાના 1298 કેસ નોંધાયા હતા અને ૭૯૬ એક્ટિવ કેસ હતા. 25 દિવસ બાદ કેસમાં વધારો થતા ઉત્તર ઝોનમાં અત્યાર સુધી કોરોના ના 2995 કેસ થયા, જ્યારે એક્ટિવ કેસ ૭૮૫ છે.
આ ઉપરાંત પૂર્વ ઝોનમાં પણ કોરોનાના કેસમાં ૨૫ દિવસમાં ૪૧.૯૦ ટકાનો વધારો નોંધાયો છે. 21 મે સુધી પૂર્વ ઝોનમાં 966 કેસ નોંધાયા હતા, જે 25 દિવસ બાદ 2305 સુધી પહોંચ્યા છે. અહીં એક્ટિવ કેસમાં પણ ઘટાડો થયો નથી. 21 મેના રોજ પૂર્વ ઝોનમાં 583 એક્ટિવ હતા, જયારે 15 જુનના રોજ 587 એક્ટિવ કેસ છે.