રાજકોટમાં ત્રણ દિવસમાં હત્યાના બે બનાવ, પૈસાની લેતીદેતી મામલે પાડોશીએ કરી હત્યા
રાજકોટ : શહેરમાં લૉકડાઉન બાદ ફરીથી ક્રાઈમ રેટ ધીમેધીમે વધી રહ્યો હોય તેવી ઘટનાઓ બની રહી છે. રાજકોટમાં સતત ત્રણ દિવસમાં બે હત્યાના બનાવો સામે આવ્યા છે. જોકે, પોલીસ પણ ગુના રોકવા કમર કસી રહી છે. પૈસાની લેતીદેતીમાં પાડોશીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
ગત રાત્રે રાજકોટના રોણકી ગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. રોણકી ગામના અશોક છગનભાઇ રાઠોડ ગતરાત્રે પોતાના ઘરે ફળિયામાં ખાટલા પર સૂતા હતા. ત્યારે પાડોશમાં રહેતો અનિલ ઝીંઝુવાડિયા ધસી આવ્યો હતો અને અશોકને પેટમાં છરીનો ઘા ઝીકીં હત્યા નીપજાવી હતી. જોકે, અનીલ દ્વારા જયારે અશોકને મારવામાં આવ્યો હતો ત્યારે છરીનો ઘા ઝીંકાતા અશોકે ચીસો પાડતા તેના પરિવારજનો બહાર દોડી આવ્યા હતા. પરિવારજનો બહાર આવતા હુમલોખોર અનિલ નાસી ગયો હતો. જે બાદ અશોકને હૉસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર બાદ તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે, અશોક અને અનિલ પાડોશમાં રહે છે. મૃતક અશોકે કેટલાક સમય પહેલા અનિલ પાસેથી અમુક રૂપિયા ઉછીના લીધા હતા અને તે રકમની ઉઘરાણી મુદ્દે બંને વચ્ચે અગાઉ બોલાચલી પણ થઇ હતી. પૈસાના મુદ્દે ચાલતી તકરારમાં અનિલ ઉશ્કેરાયો હતો અને ગતરાત્રે રાત્રે છરી વડે હુમલો કરી અશોકની હત્યા નીપજાવી હતી.