સુરતમાં પ્રેમ પ્રકરણમાં ઘાતક હથિયારો સાથે જૂથ અથડામણ, પોલીસે મામલો શાંત પાડ્યો
સુરત : લૉકડાઉન વચ્ચે રાત પડતા કર્ફ્યૂ હોવા છતાં લોકો બહાર નીકળતા હોય છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણ માં અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે અથડામણ (Group Clash in Surat) થઇ હતી. અથડામણને પગલે ત્રણ લોકોને ગંભીર ઇજા, જયારે 10થી વધુ લોકો ઘવાયા હતા. પોલીસે બનાવ સ્થળે પહોંચીને મામલો થાડે પાડ્યો હતો. પોલીસે (Surat Police) બંને પક્ષની ફરિયાદના આધારે હત્યાનો પ્રયાસ, રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના વાયરસનું લોકડાઉન પૂર્ણ થતા લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પણ લોકો જૂની અદાવતમાં એકબીજા પર હુમલા કરી રહ્યા છે. રાત પડતા કર્ફ્યૂ લાગી જાય છે પરંતુ લોકો બહાર નીકળીને બબાલ કરતા હોવાની ઘટના સામે આવે છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ અકબર સઈદના ટેકરા ખાતે પઠાણવાડ ન્યૂ કબ્રસ્તાનની સામે જુનેદ અસલમભાઇ શેખ મજૂરાગેટ ખાતે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે. જુનેદનો પિતરાઈ ભાઈ જુબેર શેખ કાસિક મેમણના દવાખાના તરફથી નાસ્તો કરી આવતા હતા ત્યારે સોહીલ ઉર્ફે અગ્ગાની તૈયબ આમલેટની લારી સામે અડચણરૂપ મૂકેલી બાઈક હટાવવા કહેતા ઝઘડો થયો હતો.
આ સમયે ત્યાં સોહીલ ઉર્ફે અગ્ગાની સાથે હાજર સ્થાનિક યુવાનો સાદીક આમલેટ, અહમદ આમલેટ, અજ્જુ કેરેમવાલા, હારુન આમલેટ, સાબીર આમલેટ, રશીદ કોઢેલ, સાદીક ઉર્ફે અંદી, સઈદ આમલેટ, શાહરુખ ડુંડા, આદીલ અને સાહિલે જુબેરને માર માર્યો હતો. જુનેદના પિતરાઈ ભાઈ શેખ સમીર, શેખ જાકીર દાઉદ અલીની પુત્રી મુસ્કાન સાથે પ્રેમ સંબંધ ધરાવે છે અને તમામ હુમલાખોરો દાઉદ અલીના સગા સંબંધીઓ છે. તેમને પ્રેમ સંબંધ મંજૂર ન હોય થોડા દિવસો અગાઉ પણ ઝઘડો થયો હતો. તેની અદાવતમાં જ ફરી હુમલો કર્યો હતો.
જોકે આ મારામારીમાં જુનેદ છોડાવવા વચ્ચે પડતા તલવારથી હુમલો કરાતા જુનેદને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જુબેરને પણ લાકડાના ફટકા અને તલવાર મરાતા ગંભીર ઇજા થઇ હતી. ઝઘડો વધતા બંનેને છોડાવવા માટે જુનેદનો ભાઈ અજીમ, નદીમ, ફોઈનો દીકરો સાકીર શેખ રફીક, પિતરાઈ ભાઈ શેખ ઇમરાન શેખ અમીન, શેખ સમીર, શેખ જાકીર, શેખ તોફીર, શેખ કાસિક, શેખ અવેઝ, શેખ આસીફ, જુબેરના મામા સહિત નવ લોકો દોડી આવતા તેમના પર પણ હુમલો કરાતા નાની-મોટી ઇજા થઇ હતી.