‘બાપુ’ ફરી રાજકીય કોરાણે મૂકાયા! બીજેપી, કૉંગ્રેસ બાદ હવે NCPમાં કડવો અનુભવ
અમદાવાદ : ગુજરાતની રાજનીતિ માં સમયાંતરે રાજકીય પરિવર્તન જોવા મળે છે. ગુજરાતની રાજનીતિમાં કદાવર નેતા તરીકે જો ગણ્યા ગાંઠયા લોકોની ગણતરી થતી હોય છે તેમાં ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા નું નામ આગળ આવે છે. પરંતુ આજે ફરી એકવાર શંકરસિંહ વાઘેલા એટલે ‘બાપુ’ પોતાની રાજકીય પીચ મજબૂત કરી શક્યા નથી. ભાજપ (BJP) અને કૉંગ્રેસ બાદ એન.સી.પી. (NCP)માં જોડાનાર બાપુને અહીં પણ કડવો અનુભવ થયો હોવાનું મનાઇ રહ્યું છે.
ગુજરાત NCPના પ્રમુખ પદેથી એકાએક શંકરસિંહ વાઘેલાને દૂર કરી જંયત બોસ્કીને ફરીવાર પ્રમુખ બનાવતા અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજકીય કોરાણે મૂકાયા છે. તેમની પાછળ તેમનો પોતાનો સ્વાર્થ મનાઇ રહ્યો છે. કૉંગ્રેસનો હાથ છોડ્યા બાદ NCPનો છેડો પકડનારા શંકરસિંહ વાઘેલા હંમેશા પાર્ટીથી અળગા રહ્યા હતા. લૉકડાઉન હોય કે પછી અન્ય કોઇ પણ કાર્યક્રમ, તેઓ હંમેશ માટે પૂર્વ મુખ્યમંત્રી તરીકે પોતાને ઓળખાવતા રહ્યા છે. પછી તે પ્રેસ હોય કે પછી પત્ર વ્યવહાર. તેમના નજીકના લોકો પણ માને છે કે બાપુએ એનસીપીના નામે એક પણ જાહેર કાર્યક્રમ ન આપી મનોમન પાર્ટી સાથે ચાલ્યા નથી. હવે એકા એક પાર્ટી પ્રમુખ તરીકે પક્ષે તેઓને દૂર કરી શંકરસિંહ વાઘેલાને એક સંકેત આપ્યો હોવાનું મનાય છે .
ગુજરાત એન.સી.પી પ્રમુખ પદેથી દૂર થતા શંકરસિંહ વાઘેલાએ પોતાની ટ્વિટર પરથી પણ NCP શબ્દ હટાવી દીધો છે. આ તેમનીનારાજગી બતાવે છે. આ પહેલા પણ કૉગ્રેસનો હાથ છોડવાના હતા તે પહેલા તેમણે ટ્વિટર પરથી કૉંગ્રેસ પાર્ટીનું નામ હટાવીને કૉંગ્રેસ નેતાઓને અનફોલો કરી એક સ્પષ્ટ સંકેત આપ્યો હતો. રાજનીતિમાં સૌથી કદાવર ગણાતા શંકરસિંહ વાઘેલાએ એન.સી.પી માટે કંઇ ન કર્યું હોવાના રિપોર્ટના આધારે શરદ પવારે તેઓને પ્રમુખ પદેથી દૂર કરી વર્તમાન રાષ્ટ્રીય જનરલ સેક્રેટેરિયેટ તરીકે યથાવત્ રાખ્યા છે.
શંકરસિંહ વાઘેલાના વિરોધીઓ માને છે કે બાપુએ પાર્ટીમાં રહી પાર્ટી માટે નહી પરંતુ પોતાના સ્વાર્થ સાથે કામ કર્યું છે. પાર્ટી પ્રમુખના કાર્યકાળમાં બાપુએ ક્યારે પાર્ટીના બેનરનો ઉપયોગ નથી કર્યો. પાર્ટીએ શંકરસિંહ વાઘેલાનો ત્યારે હાથ પકડ્યો હતો જ્યારે તેઓએ કૉંગ્રેસનો હાથ છોડ્યો હતો. પાર્ટીને અપેક્ષા હતી કે એક મોટા ચહેરાને પક્ષમાં લાવવાથી પાર્ટીને ફાયદો થશે પરંતુ બાપુએ પાર્ટી માટે કઇ નવું ન કરતા આખરે પાર્ટીએ તેમના સ્થાને ગુજરાતમાં ફરી એકવાર જંયત બોસ્કીને પ્રમુખની કમાન સોંપીને બાપુને જોરદાર જવાબ અને સંકેત આપ્યો છે. હવે એ જોવાનું રહ્યું કે બાપુ ફરીથી શું નવાજૂની કરશે!