ટ્રમ્પના આડેધડ નિર્ણયોના કારણે મહાસત્તા અમેરિકા 20 દિવસમાં યુદ્ધ ગુમાવવાની સ્થિતિમાં | Due to Trump’s reckless decisions the superpower America is on the verge of losing war in 20 days

![]()
– ઈરાન-અમેરિકા યુદ્ધ વિશે પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનનું વિશ્લેષણ
– અમેરિકાને જણાવ્યા વગર ઈઝરાયલે ઈરાનના સૌથી મોટા ગેસ ફીલ્ડ પર હુમલો કર્યો તેનાથી સાબિત થયું કે ટ્રમ્પનો યુદ્ધમાં કંટ્રોલ રહ્યો નથી
– વિપક્ષ કેવી રીતે મુદ્દાસર વિરોધ કરી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ઃ ક્લિન્ટને ફેક્ટ્સ રજૂ કરીને ટ્રમ્પના બેવડાં ધોરણો, ઈઝરાયલે કેવી રીતે અમેરિકાને યુદ્ધમાં જોતર્યું તે વિગતવાર જણાવ્યું
વૉશિંગ્ટન: અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને ઈરાન-અમેરિકા યુદ્ધનું તાર્કિક એનાલિસિસ કર્યું છે. ૨૦ દિવસમાં અમેરિકામાં જાહેરમાં યુદ્ધ ગુમાવવાની સ્થિતિમાં આવી ગયું તે પાછળ ટ્રમ્પની અણઆવડતને જવાબદાર ઠેરવતા ક્લિન્ટને કહ્યું કે જો રાજકીય રીતે આ યુદ્ધથી કોઈને ફાયદો થતો હોય તો એ નેતાન્યાહૂને થાય છે. નેતાન્યાહૂએ અમેરિકાને યુદ્ધમાં જોતરી દીધું અને ટ્રમ્પ એ જાળમાં બરાબર ફસાઈ ગયા. પરિણામ એ આવ્યું કે આજે યુદ્ધની સ્થિતિ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના હાથમાંથી નીકળતી જાય છે.
બિલ ક્લિન્ટન વિશ્લેષણ કરતાં કહે છેઃ પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી દેશ ૨૦ દિવસમાં જાહેરમાં યુદ્ધ ગુમાવવાની સ્થિતિમાં છે. સાઉથ પાર્સમાં ઈરાનના સૌથી મોટા ગેસ ફીલ્ડ પર ઈઝરાયલે કરેલા હુમલાના સંદર્ભમાં પ્રમુખ ટ્રમ્પ જણાવી રહ્યા છે કે મેં તેમને (નેતાન્યાહૂને) એવું કરવાની ના પાડી હતી. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૧૩ અમેરિકન જવાનો માર્યા ગયા છે. એફ-૩૫ લડાકુ વિમાન કે જે દુનિયાનું સૌથી આધુનિક અને પાવરફુલ ફાઈટર તે લડાઈમાં હીટ થાય છે. એવું ઈતિહાસમાં પહેલી વખત બને છે. પેન્ટાગોન અમેરિકન કોંગ્રેસ પાસે ૨૦૦ અબજ ડોલરની યુદ્ધ માટે ડિમાન્ડ કરે છે. ક્રૂડના ભાવમાં ભડકો થયો છે અને બેરલનો ભાવ ૧૨૦ ડોલર થઈ ચૂક્યો છે.
ક્લિન્ટન આગળ કહે છે કે આ કોઈ એકલ-દોકલ ઈવેન્ટની વાત નથી. આ પેટર્ન થતી જાય છે તેની વાત છે. અમેરિકા આ યુદ્ધમાં એવી રીતે જોતરાઈ ગયું છે કે હવે એમાંથી બહાર કેવી રીતે નીકળવું તે અઘરું થઈ પડયું છે. ક્લિન્ટન અહીં સૌથી મહત્ત્વનો સવાલ ઉઠાવે છેઃ આ યુદ્ધ શા માટે થયું? આપણે અહીંથી શું ગુમાવીશું? આપણને યુદ્ધથી શું મળશે? અમેરિકન નાગરિકોને ધીમે ધીમે તેનો અહેસાસ થઈ રહ્યો છે. ઈઝરાયલ માટે ઈરાન ખતરો છે. હું પ્રેસિડેન્ટ હતો ત્યારે પણ એવો જ ખતરો હતો. દરેક પ્રેસિડેન્ટને એ સ્થિતિ સાથે કામ પાર પાડવાનું આવ્યું છે. પરંતુ કોઈએ આવો રસ્તો પસંદ કર્યો ન હતો.
એક તરફ ટ્રમ્પ કહે છે કે અમેરિકાએ ઈરાનના સૌથી મોટા ગેસ ફીલ્ડ પર હુમલાની પરવાનગી આપી ન હતી, બીજી તરફ સૂત્રો કહે છે કે બંને દેશો સહયોગથી આ કરતા હતા. જો ટ્રમ્પ ના પાડતા હતા તો પછી નિર્ણય કેવી રીતે થયો એ સૌથી મોટો સવાલ પણ થવો જોઈએ. જો ખરેખર અમેરિકાને જાણ કર્યા વગર તમારા સહયોગી મોટો હુમલો કરે છે તો એ બહુ જ ગંભીર બાબત છે. એક વખત તમારી પીછેહઠ થઈ તો એની અસર લાંબાંગાળા સુધી રહેશે.
ક્લિન્ટન મજબૂત તર્ક આપે છે ઃ સાઉથ પાર્સમાં ઈરાનના સૌથી મોટા ગેસ ફીલ્ડ પર હુમલો થવો એ નાની વાત નથી.
એ ગેસ ફીલ્ડ એકલા ઈરાનનું નથી. તે દુનિયાનું સૌથી મોટું ગેસ ફીલ્ડ છે અને ઈરાન-કતાર તેને શેર કરે છે. ગેસ ફીલ્ડ પર હુમલો કરવો એટલે આખા મધ્ય-પૂર્વના એનર્જી સ્ટ્રક્ચર પર હુમલો કરવો. તેનાથી દુનિયા પ્રભાવિત થશે. દુનિયાના અર્થતંત્રને તેનાથી મોટો ફટકો પડી શકે. ઈઝરાયલના હુમલાથી જે નુકસાન થયું છે તેમાંથી બહાર નીકળતા ત્રણથી પાંચ વર્ષ નીકળી જશે.
અમેરિકાના પૂર્વ પ્રમુખ ક્લિન્ટન યુદ્ધમાં ઉતરવાની પ્રોસેસ જણાવતા કહે છેઃ અમેરિકન કોંગ્રેસ યુદ્ધને મંજૂરી આપે છે. પ્રમુખ એ યુદ્ધના કમાન્ડર ઈન ચીફ હોય છે. લશ્કરને આદેશ આપવાની સત્તા પ્રમુખ પાસે છે.
સહયોગીઓ સાથે વાટાઘાટો કરવાનું કામ પ્રમુખનું છે, પરંતુ ટ્રમ્પે આ આખી સિસ્ટમ ખોરવી નાખી છે. એક વાત આપણે યાદ રાખવી જોઈએ કે જો આનો ડિપ્લોમેટિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આપણાં માટે નોરિટર્નની સ્થિતિ આવી જશે. લોકશાહીની ઢબે નિર્ણયો લેવાય અને એ રીતે તેનો ઉકેલ આવે તે જરૂરી છે.



