અમદાવાદ : Lockdownમાં અધીરા સંચાલકોએ સ્પા સેન્ટરો ખોલી દીધા, પોલીસને જાણ થતા દરોડા
અમદાવાદ: કોરોના ની મહામારીમાં અમુક છૂટછાટો આપવામાં આવી છે. પણ અમુક ધંધા શરૂ ન કરવા નિયમ હોવા છતાં કેટલાક વેપારીઓ પોતાના ધંધા ચાલુ કરીને બેસી ગયા હતા. બોપલ પાસે આવેલા અનેક સ્પા સેન્ટરો ખુલી જવાની માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી અને માલિકો સામે કાર્યવાહી કરી હતી.
લોકડાઉનમાં લોકો ઘરમાં રહીને કંટાળી ગયા હોવાની લોકફરિયાદ ઉઠી છે. પણ હાલ ચાલી રહેલી આ મહામારીમાં ઘરે રહેવું એજ એક સુરક્ષિત ઉપાય છે. કેટલાક મસાજના શોખીનો સ્પા માં જતા હોવાથી માલિકોનો સંપર્ક કરતા સ્પા માલિકોએ ચિંતા કર્યા વગર જ સ્પા સેન્ટરો ખોલી દીધા હતા. જોકે પોલીસે આ સ્પા સેન્ટરો પર રેડ કરી હતી. સરખેજ પોલીસના જણાવ્યા મુજબ બોપલ અને આંબલીમાં અનેક સ્પા સેન્ટરો ખુલ્યા હોવાની માહિતી મળી હતી.
જેથી પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે આંબલી શિવાલીક સત્યમેવ કોમ્પ્લેક્સમાં આવેલા બેલેનો સ્પામાં રેડ કરી માલિક સચિન બંદા સામે 188 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. બાદમાં આમરપાલી એકઝ્યુમ કોમ્પ્લેક્સમાં આવેલ નિલ સ્પામાં રેડ કરી ઇમરાન ફકીર નામના વ્યક્તિ સામે કાર્યવાહી કરી હતી. જ્યારે વોટર લીલી સ્પા સેન્ટરમાં રેડ કરી દેવેન્શ કોન્ટ્રાકટર નામના વ્યક્તિ સામે કાર્યવાહી કરી હતી.
પોલીસે આ તમામ લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ સંચાલકો એડવાન્સ બુકીંગ લઈ ધંધો કરતા હતા કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.