દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Collapses on Delhi Jaipur Highway Construction Site

![]()
Soil Collapses on Delhi-Jaipur Highway : રાજસ્થાનના ભિવાડીને અડીને આવેલા હરિયાણાના સરહદી વિસ્તારમાં દિલ્હી-જયપુર હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કાપડિયાવાસમાં આવેલી સિગ્નેચર ગ્લોબલ બિલ્ડર સોસાયટીમાં માટીના ખોદકામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા અનેક શ્રમિકો દટાયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધીમાં સાત શ્રમિકોના મોત થયાની પુષ્ટિ થઈ છે.
માટીના ખોદકામ વખતે બની ઘટના
મળતી માહિતી મુજબ, નિર્માણાધીન સોસાયટીમાં માટી ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક માટી ધસી પડી હતી અને ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. માટીમાં દટાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો હાથ ધરાયા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 7 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તમામ મૃતદેહોને ભિવાડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃત્યુઆંક વધવાની આશંકા
સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ કેટલાક લોકો માટી નીચે દટાયા હોવાની આશંકા છે. આ કારણોસર વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. સ્થિતિને જોતા મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. અકસ્માતના સમાચાર મળતા જ ઘટનાસ્થળે કામ કરતા અન્ય શ્રમિકો અને તેમના પરિજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. પરિવારો પોતાના સ્વજનોની માહિતી મેળવવા માટે હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : ‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ



