ઈરાન ધણધણી ઉઠ્યું: બંદર અબ્બાસ સહિત અનેક શહેરમાં જોરદાર વિસ્ફોટ, 5 લોકોના મોતની આશંકા | iran explosions ahvaz bandar abbas deaths tensions usa israel

![]()
Blast In Iran : ઈરાનમાં શનિવારે થયેલા બે અલગ-અલગ વિસ્ફોટોમાં આશરે પાંચ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઉપરાંત 14 થી વધારે લોકો ઘાયલ થયા હોવાનું સરકારી અને સ્થાનિક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે.
વિસ્ફોટ 1 : ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજ્ય સંચાલિત ‘તેહરાન ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, દક્ષિણ-પશ્ચિમ શહેર અહવાઝમાં એક રહેણાંક મકાનમાં ગેસ વિસ્ફોટ થવાને કારણે ચાર લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે.
વિસ્ફોટ 2 : જ્યારે બીજી દક્ષિણના બંદર અબ્બાસમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઉપરાંત 14 અન્ય ઘાયલ થયા છે. આ બ્લાસ્ટમાં બે માળનું મકાન, કેટલાય વાહનો અને દુકાનો નાશ પામી છે, જોકે વિસ્ફોટનું કારણ હજુ અસ્પષ્ટ છે. વિવિધ એજન્સીઓ તપાસ ચલાવી રહી છે.
ઈઝરાયેલ અને રિવોલ્યુશનરી ગાર્ડની પ્રતિક્રિયા
ઈઝરાયેલના બે અધિકારીઓએ આ વિસ્ફોટોમાં તેમની કોઈપણ પ્રકારની સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો છે. બીજી તરફ, અર્ધ-સત્તાવાર ‘તસ્નીમ ન્યૂઝ એજન્સી’એ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓને ફગાવી દીધા છે. આ અહેવાલોમાં દાવો કરાયો હતો કે, આ વિસ્ફોટમાં રિવોલ્યુશનરી ગાર્ડ નેવી કમાન્ડરને નિશાન બનાવવામાં આવ્યા હતા. એજન્સીએ આ દાવાઓને સંપૂર્ણ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.
સતત વધતો રાજકીય તણાવ
આ ઘટનાઓ એવા સમયે બની છે જ્યારે ઈરાન અને વોશિંગ્ટન (અમેરિકા) વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ઈરાનમાં આર્થિક તંગીને કારણે છેલ્લા ત્રણ વર્ષના સૌથી મોટા વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. જેને ડામવા માટે સરકારે કડક હાથે કાર્યવાહી કરી રહી છે.
યુદ્ધ જેવી સ્થિતિ
બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઇરાન પર સતત ફૂંફાડા મારી રહ્યા છે. હાલમાં જ ટ્રમ્પે જણાવ્યું હતું કે, એક મોટું નૌકા સૈન્ય ઈરાન તરફ આગળ વધી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ ઈરાની સુરક્ષા દળો પર લક્ષિત હુમલાઓ કરવાના વિકલ્પો અંગે વિચારી રહ્યા છે.
ઇરાન પણ લડી લેવાના મૂડમાં
ટ્રમ્પની ધમકીના જવાબમાં, ઈરાનના આર્મી ચીફ અમીર હાતમીએ શનિવારે અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે, ગલ્ફ વિસ્તારમાં વોશિંગ્ટનની સૈન્ય તૈનાતીના જવાબમાં ઈરાની સશસ્ત્ર દળો ‘હાઈ એલર્ટ’ પર છે.


