અમદાવાદ બાદ હવે સુરતથી બાળ તસ્કરી રેકેટ ઝડપાયું: મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલી બાળકીને વેચવા આવેલી બે મહિલાની ધરપકડ | Surat Crime Branch Busts Child Trafficking Case Newborn Rescued Two Women Arrested

![]()
Child Trafficking Racket Busted in Surat: અમદાવાદ બાદ હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે નવજાત બાળકોની હેરાફેરી અને તસ્કરી કરતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદથી અપહરણ કરાયેલી માત્ર આઠ દિવસની બાળકીને સુરતમાં વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જે પહેલા જ પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી બાળકીને સુરક્ષિત બચાવી લીધી છે.
ઔરંગાબાદથી સુરત સુધીનું તસ્કરી કનેક્શન
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ધરપકડ કરાયેલ બંને મહિલાઓ, અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવાણે અગાઉ પાડોશમાં રહેતી હતી. તે આ બાળકીનું મહારાષ્ટ્રના ઔરંગાબાદથી અપહરણ કર્યું હતું અને વધુ કિંમતે વેચવા માટે સુરત લાવી હતી.
મહિલાઓએ બાળકીના ફોટા પાડીને સોશિયલ મીડિયા અને મોબાઈલ દ્વારા સુરતના 2-3 ગ્રાહકોનો સંપર્ક કર્યો હતો. પોતાની ઓળખ છુપાવવા માટે તે આ બાળકી પોતાની હોવાનો દાવો કરતી હતી. જો કે, બાળકીના જન્મના કોઈ પણ કાયદેસરના પુરાવાઓ રજૂ ન કરી શકતા પોલીસની શંકા દ્રઢ બની હતી.
સોદો થાય તે પહેલા જ પોલીસ ત્રાટકી
ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે, બાળકીનો સોદો શરૂ થાય તે પહેલા જ બંને આરોપી મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. ઊંડાણપૂર્વકની પૂછપરછમાં મહિલાઓએ કબૂલાત કરી હતી કે તે બાળ તસ્કરીના નેટવર્ક સાથે જોડાયેલી છે. હાલ નવજાત બાળકીને સંભાળ માટે CWC (Child Welfare Committee) સેન્ટરમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મહિલાઓ અગાઉ કેટલા બાળકોની તસ્કરી કરી ચૂકી છે અને સુરતમાં તેમના સંપર્કમાં કોણ કોણ હતું. આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ મહારાષ્ટ્ર પોલીસની પણ મદદ લઈ શકે છે.
અગાઉ પણ તસ્કરીના રેકેટ ઝડપાયા છે
ઉલ્લેખનીય અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSએ જોઈન્ટ ઓપરેશન કરી બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં હિંમતનગરથી ખરીદેલું એક નવજાત શિશુને હૈદરાબાદમાં વેચવા જતી એક મહિલા સહિત ત્રણ શખ્સને ઝડપી પાડ્યા હતા. હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી નવજાત શિશુ 3,60,000માં ખરીદ્યું હતું.


