બલોચિસ્તાનના 12 શહેરો પર હુમલો, 20 સૈનિક-70 બળવાખોરોના મોત! પોસ્ટ છોડીને ભાગી પાકિસ્તાનની સેના | Balochistan War: Rebels Launch ‘Operation Herof 2’ Seize Govt Buildings as Pakistan Army Retreats

![]()
Balochistan Attack 2026 : પાકિસ્તાનના બલોચિસ્તાનમાં બળવાખોરોના હુમલા બાદ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બલોચ લિબરેશન આર્મીએ બલોચિસ્તાન રાજ્યના અનેક શહેરોમાં એક સાથે હુમલો કરી અને પોસ્ટ તથા અનેક સરકારી ભવનો પર કબજો કરી લીધો છે. આ હુમલાને બલોચ લિબરેશન આર્મી દ્વારા ‘ઓપરેશન હેરોફ’ પાર્ટ-2 નામ આપવામાં આવ્યું છે. હુમલા બાદ પાકિસ્તાનની સેના પોસ્ટ અને ચોકીઓ છોડીને ભાગી રહી છે. આ હુમલામાં અનેક સુરક્ષાકર્મી તથા અનેક બળવાખોરોના મોત થયા હોવાની આશંકા છે.
બલોચિસ્તાનમાં પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ, અનેક શહેરોમાં હુમલા
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર શનિવારે સવારે બલોચિસ્તાનના પાટનગર ક્વેટામાં એક બાદ એક 6 ધડાકા થયા હતા અને તે પછી રસ્તાઓ પર બે કલાક સુધી અથડામણ થઈ. ગોળીઓ ચાલી અને બોમ્બ બ્લાસ્ટ થયા. બલોચ બળવાખોરોએ પસની, મસ્તંગ, નુશ્કી અને ગ્વાદર સહિતના જિલ્લાઓ પર હુમલા કર્યા. હુમલાખોરો બંદૂકો સાથે અંધાધૂંધ ગોળીબાર અને અનેક સ્થાનો પર બોમ્બ બ્લાસ્ટ કરી રહ્યા છે.
સરકારી ઈમારતો, પોલીસ સ્ટેશન, આર્મીની પોસ્ટ હવે બળવાખોરોનો કબજો
બલોચિસ્તાનના અનેક શહેરોની સરકારી ઈમારતો પર હવે હથિયારધારી બળવાખોરોએ કબજો કરી લીધો છે. અનેક પોલીસ સ્ટેશનો પર પણ હુમલો કરી કેદીઓને છોડી મૂકવામાં આવ્યા છે. બલોચિસ્તાન રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ધ બલોચિસ્તાન પોસ્ટના અહેવાલ અનુસાર બલોચ લિબરેશન આર્મીના કમાન્ડર-ઈન-ચીફ બશીર ઝેબ બલોચે વીડિયો સંદેશો પાઠવી કહ્યું છે કે, લોકો પોતાના ઘરોથી બહાર ન નીકળે.
48 કલાકમાં 70થી વધુ બળવાખોરોને માર્યા હોવાનો દાવો
પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં બલોચિસ્તાનના ખૌફનાક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેમાં બળવાખોરો હથિયારો સાથે ગાડીઓના કાફલા સાથે દેખાઈ રહ્યા છે. બળવાખોરો શહેરો પર કબજો કરી અંધાધૂંધ ગોળીબાર પણ કરી રહ્યા છે. બીજી તરફ બલોચિસ્તાનના મુખ્યમંત્રીના રાજકીય સલાહકાર શાહિદ રિન્દનો દાવો છે કે પાકિસ્તાનના સુરક્ષાકર્મીઓએ છેલ્લા 48 કલાકમાં 70થી વધુ બળવાખોરોને ઠાર માર્યા છે.
એવામાં હાલ તો સમગ્ર બલોચિસ્તાનમાં પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. ઠેર ઠેર હુમલા, ગોળીબાર, બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે.


