સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused sentenced to 20 years rigorous imprisonment in rape case of minor

![]()
વડોદરા : ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં
ફસાવી તેને ભગાડી જઇ દસ દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચરવાના બનાવમા સંડોવાયેલા
આરોપીને પોક્સો એક્ટ હેઠળ કસુરદાર ઠેરવી અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ તેમજ રૃા.૫૦
હજારનો દંડ ફટકાર્યો હતો. અદાલતે ચૂકાદામાં નોંધ્યું હતું કે, ભોગ
બનનાર બાળક હોય ત્યારે તેની સંમતિ કાયદેસર રીતે કોઈ જ મહત્વ ધરાવતી નથી
કેસની વિગત એવી છે કે, આગસ્ટ ૨૦૨૪માં એક સગીરા ટયુશન ક્લાસમાં ગયા બાદ
ઘરે પરત ન આપતા આ બનાવ અંગે છાણી પોલીસે તપાસ તપાસ કરી હતી. તપાસમાં આરોપી વિનોદ
કંટુભાઇ ડામોર (રહે.તેતરીયા, તા.ઝાલોદ)નામનો શખ્સ સગીરાને
ભગાડી ગયો હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે આ બનાવ અંગે પોક્સો સહિતની કલમ હેઠળ
ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.કોર્ટમાં ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી
હતી કે આરોપી અને સગીરા વચ્ચે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી છેલ્લા બે વર્ષથી પ્રેમ
સંબંધ હતો.
સગીરા પોતાની મરજીથી આરોપી સાથે ગઈ હતી અને તેમની વચ્ચેના
શારીરિક સંબંધો પરસ્પર સંમતિથી બંધાયા હતા. ખુદ સગીરાએ પણ જુબાનીમાં સ્વીકાર્યું
હતું કે તે વિનોદને પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. જોકે, સરકારી
વકીલ પી.સી.પટેલે દલીલ કરી હતી કે,
સગીરાના જન્મના દાખલા મુજબ તેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે,
તેથી કાયદા મુજબ તેની સંમતિને કોઈ માન્યતા આપી શકાય નહીં.
આ કેસમાં ૧૩ સાક્ષી અને ૨૭ દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવ્યા
હતા. અદાલતે દલીલો તેમજ પુરાવાને ધ્યાન લઇ
આરોપીને ૨૦ વર્ષની સજાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, પોક્સો
એક્ટ હેઠળ જો ભોગ બનનાર બાળક (૧૮ વર્ષથી
ઓછી ઉંમર) હોય તો તેની સંમતિ કાયદાની નજરમાં શૂન્ય છે. ભલે તેમની વચ્ચે પ્રેમ
સંબંધ હોય અથવા સગીરા સ્વેચ્છાએ આરોપી સાથે ગઈ હોય, પરંતુ
સગીરાના વાલીપણામાંથી તેને ભગાડી જઇ તેની સાથે શારીરિક સંબંધ બાંધવો એ ગંભીર અપરાધ
છે.


