સગીરાને ગર્ભવતી બનાવનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused who impregnated minor rejected

![]()
વડોદરા : મજૂરી કામ માટે આવતી સગીરાને ધાકધમકી આપી તેનું શારીરિક શોષણ
કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી. ન્યાયાધીશે
ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામેના આક્ષેપો અત્યંત ગંભીર છે અને
માત્ર તપાસ પૂર્ણ થવાથી ગુનાની તીવ્રતા ઓછી થતી નથી.
કેસની વિગત એવી છે કે, ભોગ બનનાર સગીર વયની હતી ત્યારથી આરોપી સૈયદ
મહંમદ ઉમર અબ્દુલ જબ્બારના ગોડાઉનમાં કામ કરતી હતી. આરોપીએ સગીરાના માતા-ભાઈને
મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું, જેના
કારણે ભોગબનનાર ગર્ભવતી બની હતી અને ગત જુલાઈ ૨૦૨૫માં તેણે એક બાળકને જન્મ આપ્યો
હતો. તપાસ દરમિયાન થયેલા ડીએનએ પરીક્ષણમાં પણ સાબિત થયું હતું કે બાળકનો પિતા
આરોપી છે.
આ કેસમાં આરોપીએ જામીન અરજી મૂકતા આરોપી પક્ષે એવો દાવો કર્યો હતો કે ભોગબનનાર
સાથે સમાધાન થઈ ગયું છે અને તેણીના અન્યત્ર લગ્ન પણ થઈ ગયા છે. જોકે, ભોગબનનારે
ખુલ્લી અદાલતમાં હાજર રહી સમાધાનની કેટલીક હકીકતો નકારી કાઢી હતી અને બાળકની
સારસંભાળ પોતે રાખશે તેમ જણાવ્યું હતું. આથી કોર્ટે આરોપી દ્વારા રજૂ કરાયેલા
સમાધાનના સોગંદનામાને શંકાસ્પદ ગણાવ્યું હતું. અદાલતે જણાવ્યું કે આરોપી પરિણીત
હોવા છતાં સગીરાનું શોષણ કરી તેણીની જિંદગી બગાડી છે.



