સુરેન્દ્રનગર: દસાડાના પાનવા પાસે ત્રિપલ અકસ્માત, રિક્ષામાં સવાર બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Triple Accident Near Panwa Village in Surendranagar Leaves Two Dead Three Injured

![]()
Triple Accident in Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દસાડા તાલુકાના પાનવા ગામ પાસે બે કાર અને એક રિક્ષા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં રિક્ષામાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં છે, જ્યારે બે મહિલાઓ સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
કેનાલ પાસે સર્જાયો અકસ્માત
મળતી વિગતો અનુસાર, વડગામ અને શંખેશ્વર વચ્ચે આવેલા પાનવા કેનાલ પાસે બે કાર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતા જ આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદના રાણીપમાં કારચાલકે એક્ટિવા પર જતા દંપતીને ટક્કર મારતા બ્રિજ પરથી પટકાતા મોત
ઘટનાની જાણ થતાં જ દસાડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકો અમદાવાદના દેત્રોજ બાજુના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 55 વર્ષીય મેરાજી પરમાર અને 35 વર્ષીય સેંધાજી પરમાર છે. જ્યારે ઈજાગ્રસ્તોમાં બે મહિલાઓ પણ છે, જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. હાલ અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.’


