સંતરામ મંદિરના મેળામાં જોખમી રાઈડ્સ પર પ્રતિબંધ : મંદિર પરિસરમાં સ્ટોલની વ્યવસ્થા | Dangerous rides banned at Santram Temple fair: Stalls arranged in temple premises

![]()
– 1-8 ફેબુ્રઆરી સુધી ચાલનારા મેળામાં શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટશે
– ટ્રાફિક સમસ્યા નિવારવા બસ સ્ટેન્ડથી પારસ સર્કલ સુધીનો રોડ 5 દિવસ માટે બંધ : રાત્રે 12 સુધી મેળો ચાલુ રહેશે
નડિયાદ : નડિયાદના સમાન સંતરામ મંદિર ખાતે મેળાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. સંતરામ મહારાજની આજ્ઞાા અને મંદિર કમિટીના માર્ગદર્શન હેઠળ આગામી ૧ ફેબુ્રઆરીથી ૮ ફેબુ્રઆરી સુધી ચાલનારા આ મેળામાં શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટશે. મેળાના સુવ્યવસ્થિત આયોજન માટે મંદિર પરિસરમાં સિંગલ સ્ટોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વર્ષે ભક્તો દર્શનની સાથે ખરીદી અને બાળકોના મનોરંજનનો આનંદ માણી શકે તે માટે ખાસ આયોજન કરાયું છે. મેળાનો સમય દરરોજ સવારે ૯ વાગ્યાથી મોડી રાત્રિના ૧૨ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
મંદિર પરિસરમાં ઉભા કરવામાં આવેલા મેળામાં આ વર્ષે કુલ ૫૨ જેટલા વિવિધ સ્ટોલ્સનો સમાવેશ થાય છે. જેમાં ખાણી-પીણી, બાળકોના રમકડાં અને ઘરવખરીની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. આયોજકો દ્વારા મેળાને આઠ દિવસ સુધી ભક્તિમય વાતાવરણ જળવાઈ રહે તે રીતે આયોજિત કરવામાં આવ્યો છે. મેળાના પ્રારંભ પૂર્વે જ સમગ્ર વિસ્તારમાં રોશની અને શણગાર કરવામાં આવ્યો છે. નડિયાદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હજારો લોકોની ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે. સુરક્ષાના ભાગરૂપે મેળાના દરેક ખૂણે પોલીસ જવાનો તૈનાત રહેશે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. તેમજ ટ્રાફિકજામની સ્થિતિને નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક અમલવારી કરવામાં આવી છે. ૩૦ જાન્યુઆરીથી ૩ ફેબુ્રઆરી સુધી સંતરામ રોડને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને બસ સ્ટેન્ડથી પારસ સર્કલ સુધીના માર્ગને બ્લોક કરી દેવાયો છે. વાહનચાલકોએ હાલાકી ન ભોગવવી પડે તે માટે ડાયવર્ઝન આપી વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
આકસ્મિક ઘટનાઓને પહોંચી વળવા માટે મેળાના સ્થળે જી.ઈ.બી.નું અલાયદું વીજ કનેક્શન લેવામાં આવ્યું છે. કોઈપણ મેડિકલ ઈમરજન્સીના સમયે ત્વરિત સેવા મળી રહે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સ અને ફાયર સેફ્ટીની ટીમોને ઘટના સ્થળે જ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો વિશેષ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.



