પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં રૂ. 38.68 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 38 68 lakhs caught in PGVCL checking drive

![]()
– વઢવાણ, થાન અને મુળી પંથકમાં
– પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં રૂ. 38.68 લાખની વીજ ચોરી ઝડપાઈ
પોલીસ-એસઆરપી બંદોબસ્ત વચ્ચે વીજ ટીમોએ 582 કનેક્શન તપાસ્યા : 87 માં ગેરરીતિ ઝડપાઇ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલા વીજ લોસને ડામવા માટે પીજીવીસીએલ વિભાગ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લાનો વીજ લોસ ૨૫%ને પાર કરી જતા વીજ તંત્ર ઉપરાછાપરી દરોડા પાડી રહ્યું છે.
વઢવાણ, થાનગઢ, દૂધરેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે સવલાણા, ખમીસાણા અને પેઢડામાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ ૫૮૨ વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતા, જેમાંથી ૮૭ જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડી હતી. જેમાં ઘર વપરાશના ૮૧, વાણિજ્ય હેતુના ૩ અને ખેતીવાડીના ૩ કનેક્શનનો સમાવેશ થાય છે. આ મેગા સર્ચ ઓપરેશનમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ૧૨ એસઆરપી જવાનો, ૧૧ પોલીસ કર્મચારીઓ અને ૪ વિડિયોગ્રાફરની મદદ લેવામાં આવી હતી. તપાસમાં ઝડપાયેલી ગેરરીતિ બદલ પીજીવીસીએલ દ્વારા કુલ રૂ.૩૮.૬૮ લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે.



