ભારતનો એક નિર્ણય અમેરિકા સાથેના સંબંધો સુધારી દેશે! ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી ઓફર | India to Buy Venezuelan Oil as Russian Imports Decline US Trade Deal Likely

![]()
India Buy Venezuela Oil : ભારત અને રશિયાના દાયકાઓ જૂના તેલ સંબંધોમાં હવે મોટું પરિવર્તન આવી રહ્યું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની કડક ટેરિફ નીતિને કારણે ભારત હવે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી રહ્યું છે, જેનો સીધો ફાયદો ભારત અને અમેરિકા વચ્ચેની આગામી ‘ટ્રેડ ડીલ’માં જોવા મળી શકે છે.
અમેરિકાની નવી નીતિ અને વેનેઝુએલાનું તેલ
અમેરિકાએ ભારતને વેનેઝુએલા પાસેથી જલ્દી જ કાચું તેલ ખરીદવાની મંજૂરી આપવાના સંકેત આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને રશિયન તેલના વિકલ્પ તરીકે નવો સ્ત્રોત પૂરો પાડવાનો છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ વોશિંગ્ટનની નીતિમાં બદલાવ આવ્યો છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત રશિયા પાસેથી તેલ ઘટાડે જેથી રશિયાની યુક્રેન યુદ્ધ માટેની કમાણી પર કાપ મૂકી શકાય.
રશિયન તેલની આયાતમાં મોટો ઘટાડો
ભારત અત્યાર સુધી રશિયન તેલનો મોટો ખરીદદાર હતું, પરંતુ હવે તેમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે:
જાન્યુઆરી: 12 લાખ બેરલ પ્રતિ દિવસ (bpd)
ફેબ્રુઆરી (અંદાજ): 10 લાખ bpd
માર્ચ (અંદાજ): 8 લાખ bpd
આગામી લક્ષ્યાંક: આયાત ઘટીને 5 થી 6 લાખ bpd સુધી પહોંચી શકે છે. અમેરિકાએ રશિયન તેલ પર 50% સુધીનો ટેરિફ લગાવતા હવે તે ભારત માટે પહેલા જેવું સસ્તું રહ્યું નથી.
ભારતની રણનીતિ અને રીફાઈનરીઓની સજ્જતા
ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાના તેલના સ્ત્રોતોમાં વિવિધતા લાવી રહ્યું છે. રશિયાથી આયાત બે વર્ષના નીચલા સ્તરે પહોંચી છે, જ્યારે ઓપેક (OPEC) દેશો, મધ્ય પૂર્વ અને દક્ષિણ અમેરિકાથી ખરીદી વધી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન જેવી ભારતીય રીફાઈનરીઓ વેનેઝુએલાના ભારે અને હાઈ-સલ્ફર ક્રૂડને પ્રોસેસ કરવા માટે સક્ષમ છે.
શું ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થશે?
અમેરિકા વેનેઝુએલાનું 30-50 મિલિયન બેરલ સંગ્રહિત તેલ વેચવાની યોજના બનાવી રહ્યું છે. જો ભારત રશિયાનો મોહ છોડીને વેનેઝુએલા કે અમેરિકન સ્ત્રોતો તરફ વળે છે, તો ટ્રમ્પ પ્રશાસન ભારતને ટેરિફમાં મોટી રાહત આપી શકે છે. આ પગલાથી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તેના અંતિમ તબક્કામાં પહોંચવાની શક્યતા પ્રબળ બની છે.



