राष्ट्रीय

ખાનગી-સરકારી તમામ સ્કૂલો ફ્રીમાં સેનેટરી પેડ્સ પુરા પાડે : સુપ્રીમ | All private and government schools should provide sanitary pads free of cost: Supreme Court



– સુપ્રીમે માસિક ધર્મમાં સ્વાસ્થ્યની કાળજીને બંધારણીય અધિકાર ગણાવ્યો

– તમામ સ્કૂલોમાં ટોઇલેટ, હેન્ડ વોશ, પાણીની સુવિધા હોવી જોઇએ, વધારાના ઇનરવેર, યુનિફોર્મ, ડિસ્પોઝેબલ પેડ્સ રાખવા આદેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દેશની તમામ સ્કૂલોને આદેશ આપ્યો છે અને કહ્યું છે કે સ્કૂલમાં અભ્યાસ કરનારી તમામ વિદ્યાર્થિનીને માસિક ધર્મ સમયે ફ્રીમાં સેનેટરી પેડ્સ આપવામાં આવે. આ સાથે જ સુપ્રીમે કહ્યું હતું કે માસિક ધર્મ સમયે સ્વાસ્થ્યની કાળજી રાખવી તે બંધારણના આર્ટિકલ ૨૧ હેઠળના જીવન જીવવાના અધિકારોનો હિસ્સો છે. તમામ સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓ, વિદ્યાર્થીઓ માટે ટોઇલેટની યોગ્ય વ્યવસ્થા હોવી જોઇએ સાથે જ ત્યાં ચોખ્ખાઇ પણ જાળવવામાં આવે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેબી પારડીવાલા, ન્યાયાધીશ આર મહાદેવનની બેંચે દેશની તમામ સ્કૂલો માટે મહત્વના આદેશ જારી કર્યા છે. સુપ્રીમે કહ્યું છે કે તમામ સ્કૂલોમાં ટોઇલેટની સુવિધા હોવી જોઇએ, એટલુ જ નહીં આ ટોઇલેટમાં પાણી, હાથ ધોવાની (હેન્ડ વોશ), સાબુ વગેરેની સુવિધા પણ પુરી પાડવામાં આવે. વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ બન્નેની ટોઇલેટ સુવિધા અલગ અલગ હોવી જોઇએ તેની પણ ખાતરી રાખવામાં આવે.   

સરકારી હોય કે ખાનગી, શહેરી હોય કે ગ્રામીણ તમામ સ્કૂલોએ એએસટીએમ ડી-૬૯૫૪ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થિનીઓને મફતમાં સેનેટરી પેડ્સ પુરા પાડવાના રહેશે. આ ફ્રી સેનેટરી પેડ્સ વિદ્યાર્થિનીઓ સરળતાથી લઇ શકે તે રીતે તેની વ્યવસ્થા કરવાની રહેશે. જેના માટે સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન કે તેના જેવી વ્યવસ્થા કરવાની રહેશે. માસિકધર્મમાં વિદ્યાર્થિનીને તાત્કાલીક સહાય મળી રહે તે માટે વધારાના ઇનરવેર, યુનિફોર્મ, ડિસ્પોઝેબલ પેડ્સ અને અન્ય જરૂરી સામાન રાખવામાં આવે. 

તમામ સ્કૂલોમાં સેનેટરી પેડ્સ વેસ્ટના નિકાલ માટે પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવે. જે માટે સ્કૂલમાં એક સેનેટરી પેડ્સ વેસ્ટબિન રાખવામાં આવે, જેને રેગ્યુલર સાફ રાખવામાં આવે. જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે તેમની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખવામાં આવે અને તે પ્રમાણે ટોઇલેટમાં બાંધકામ કરવામાં આવે. ટોઇલેટમાં વિદ્યાર્થીઓની પ્રાઇવેસી જળવાઇ રહે તેની ખાસ કાળજી રાખવામાં આવે. ચુકાદો આપતી વખતે ન્યાયાધીશ પારડીવાલાએ કહ્યું હતું કે શિક્ષણનો અધિકાર એક મલ્ટીપ્લાયર રાઇટ છે, સંસ્થાગત અને સામાજિક અડચણો જેવી કે ટોઇલેટનો અભાવ, માસિક ધર્મને લઇને મૌન રહેવું, સંસાધનોનો અભાવ વિદ્યાર્થિનીઓના શિક્ષણ પર અસર પાડે છે, આ અડચણો દૂર કરવા રાજ્યોની જવાબદારી છે.   

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એક સંવેદનશીલ ટિપ્પણી કરતા નોંધ્યું કે માસિક ધર્મને કારણે સ્કૂલે ન જઇ શકનારી તમામ વિદ્યાર્થિનીઓ કે જેમને શરીર અશુદ્ધ હોવાનું કહીને શિક્ષણથી વંચિત રાખવામાં આવી તેમને કહેવા માગીએ છીએ કે બેટિયો આ તમારી ભુલ નથી. સ્કૂલોમાં માસિક ધર્મ સ્વચ્છતા સુવિધા આપવી તે કોઇ નીતિ કે સુવિધાનો મામલો નહીં પણ બંધારણીય અધિકાર છે. મધ્ય પ્રદેશ મહિલા કોંગ્રેસના નેતા જયા ઠાકુર દ્વારા સુપ્રીમ કોર્ટમાં માસિક ધર્મને લઇને વિદ્યાર્થિનીઓને મદદરૂપ થવા માટે જાહેર હિતની અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ દેશવ્યાપી આદેશ જારી કર્યા છે.   



Source link

Related Articles

Back to top button