બે કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીને પાંચ વર્ષની સખત કેદ | Accused caught with two kilos of marijuana sentenced to five years rigorous imprisonment

![]()
દહેગામ તાલુકાના સામેત્રી પાસે છ વર્ષ અગાઉ
ગાંધીનગર એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો આરોપીને રૃા.૨૫ હજારનો દંડ પણ ફટકાર્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામે છ વર્ષ
અગાઉ પોલીસ દ્વારા લાકડાના કેબિનમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં
આવ્યો હતો અને જે કેસ ગાંધીનગર એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી
વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજાનો
હુકમ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં નસીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ
અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે બીજી બાજુ આ પ્રકારના ગુનાઓ નોંધાયા બાદ
કોર્ટ દ્વારા પણ આવા આરોપીઓને સખત સજા કરવામાં આવી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૯માં
દહેગામ તાલુકાના સામેત્રી ગામે પોલીસ દ્વારા સામેત્રી ગામમાં રહેતા અજીત ધનાભાઈ
ઠાકોરને ચાર રસ્તા ઉપર આવેલી લાકડાની કેબિનમાં બે કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી
લેવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવતા આ ગાંજાનો જથ્થો કપડવંજ તાલુકાના
માધાભાઈ બબાભાઈ રાઠોડ પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જે સંદર્ભે રખિયાલ
પોલીસ મથકમાં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસ
ગાંધીનગર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. વી શર્માની કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં સરકારી
વકીલ પ્રિતેશ ડી. વ્યાસ હાજર રહ્યા હતા અને તેમણે દલીલો કરી હતી કે સમાજમાં વધી
રહેલી નશાની પ્રવૃત્તિને વચ્ચે આવા વ્યક્તિઓ આવનારી પેઢીને નુકસાન પહોંચાડે છે તેવી
દલીલો કરી હતી અને આરોપીને કડકમાં કડક સજાની માંગણી કરવામાં આવતા કોર્ટ દ્વારા
આરોપી અજીત ઠાકોરના પાંચ વર્ષની સખત કેદની સજા અને ૨૫ હજાર રૃપિયાનો દંડ કરવામાં
આવ્યો હતો.


