સેક્ટર-૭, ૧૧, ૧૨, ૧૩ અને ૨૯માં ૩૫૦ ઝુંપડા અને છાપરા ઉખેડી ફેકાયાં | 350 shacks and thatched roofs were demolished in Sectors 7 11 12 13 and 29

![]()
પાટનગર યોજના વિભાગ દ્વારા બીજા દિવસે
અટકાયતી પગલાના અભાવે આ ઝુંબેશ બાદ શહેર કેટલા દિવસ માટે દબાણોથી મુક્ત રહેશે, તેવો વસાહતીઓમાં પૂછાતો સવાલ
ગાંધીનગર : વગદારો દ્વારા ઘર આંગણા સહિત સરકારી જમીન પર કરવામાં આવતાં
દબાણોને નજર અંદાજ કરવાની સાથે પાટનગર યોજના વિભાગ દ્વારા બીજા દિવસે સેક્ટર ૭, ૧૧, ૧૨, ૧૩ અને ૨૯માં ૩૫૦
ઝુંપડા અને છાપરા ઉખેડી ફેકવામાં આવ્યા હતાં. પરંતુ દબાણો સામે અટકાયતી પગલાની કોઇ
વ્યવસ્થા નહીં હોવાથી આ ઝુંબેશ બાદ શહેર કેટલા દિવસ માટે દબાણોથી મુક્ત રહેશે, તેવો સણસણતો સવાલ
વસાહતીઓ દ્વારા પૂછાઇ રહ્યો છે.
પાટનગરમાં રોજગારી માટે દોડી આવતાં અને કોન્ટ્રક્ટરો દ્વારા
લાવવામાં આવતાં શ્રમજીવીઓની એકવાર ગાંધીનગરમાં એન્ટ્રી થયા પછી એક્ઝિટ નહીં થવાનો
ક્રમ દાયકાઓથી અને નિરંતર ચાલી રહ્યો છે. નગરની તમામ જમીનની માલિકી રાજ્યના માર્ગ
અને મકાન વિભાગ હસ્તક હોવા છતાં પાટનગર યોજના વિભાગ, જિલ્લા તંત્ર,
મહાપાલિકા, ગુડા અને
વન વિભાગ સહિતના તંત્રો પણ તેનો વહીવટ કરી રહ્યાં છે. પરિણામે ગાંધીનગર સૌનું અને
કોઇનું નહીં તેવો ઘાટ ઘડાયેલો છે. ઉપરોક્ત પૈકીના તમામ તંત્ર કરોડો અને અબજો
રૃપિયાની બજાર કિંમત ધરાવતી સરકારી જમીનોના રખોપા કરવામાં સદંતર નિષ્ફળ રહેલાં છે.
તેના અધિકારીઓને જમીનોમાં થતી ઘુસણખોરી રોકવામાં કોઇ રસ જ નથી. તેના કારણે જ અહીં
દબાણો થતાં રોકવા માટેની કોઇ વ્યવસ્થા નથી. ઘુસણખોરો હક જતાવવા માંડે અને ન્યાય
તંત્ર પણ આટલા વર્ષો શું કર્યું તેવા સવાલો પૂછવા મજબુર થાય ત્યાં સુધી કોઇ
કાર્યવાહી કરવામાં આવતીં નથી. હવે તંત્ર ફરી મેદાને ઉતર્યા છે. ગુરૃવારે ઝુંપડા, છાપરા હટાવ્યા
બાદ શુક્રવારે ફરી સેક્ટર ૭,
૧૧, ૧૨, ૧૩ અને ૨૯માં
દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
તંત્ર દ્વારા શનિવારે પણ નવા-જુના સેક્ટરોમાં દબાણો ખસેડાશે
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ધારાસભા કે લોકસભાની ચૂંટણીઓ નજીકમાં ન હોય તેવો સમય દબાણો ખસેડવા
માટે પસંદ કરવામાં આવતો હોય છે. જો ચૂંટણીનો માહોલ હોય તો ઝુંપડાવાસીઓને પણ શીરા-પુરીના
જમણ મળી જવા સાથે તમતમારે મોજથી પડયા રહો જેવી ખાતરીઓ આપી દેવાતી હોય છે. બે દિવસની
ધમાલ બાદ શનિવારે પણ સેક્ટર ૧,
૨, ૩, ૧૦, ૧૬,૧૭, ૨૨, ૨૩, ૨૮ અને શહેરી ગામોમાં
તંત્ર કર્યવાહી કરે તેવી શક્યતા જોવાઇ રહી છે.



