અમરેલીમાં નકલી બીડી-તમાકુનું મિની કારખાનું ઝડપાયું, 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ | Fake Bidi and Tobacco Factory Busted in Amreli Goods Worth Over ₹4 Lakh Seized

Fake Tobacco-Bidi Factory In Amreli: અમરેલી શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી બીડી અને તમાકુનું કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યું છે. સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG)એ બાતમીના આધારે રહેણાંક મકાનમાં ચાલતા આ નકલી મિની કારખામાં દરોડા પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રહેણાંક મકાનમાં ચાલતું હતું કૌભાંડ
મળતી માહિતી અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે, અમરેલીના મણીનગર વિસ્તારમાં આવેલા સાઈબાબા મંદિર નજીક એક મકાનમાં ગેરકાયદે રીતે નકલી તમાકુ અને બીડી બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. જેને લઈને SOGની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન સ્થળ પરથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર, હોલમાર્ક સિક્કા, પેકિંગ મશીનરી અને મોટી માત્રામાં રો-મટિરિયલ મળી આવ્યું હતું.
4.36 લાખનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ
ઘટનાસ્થળ પરથી પોલીસે કુલ 4,36,315 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ઈરફાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. આરોપી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નકલી પ્રોડક્ટ્સ બજારમાં અસલી તરીકે વેચવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અમરેલીના SP સંજય ખરાતની સીધી સૂચના હેઠળ SOGના PI આર.ડી. ચૌધરી અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. હાલ ફેક્ટરીના સ્થળને સીલ કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલો તમામ માલ અમરેલી સિટી પોલીસ સ્ટેશનને સોંપાયો છે. હવે સિટી પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી માલ કયા કયા શહેરો કે ગામડાઓમાં સપ્લાય કરવામાં આવતો હતો અને આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ.



