ઉમરગામમાં પત્નીને જીવતી સળગાવનાર પતિને અંતિમ શ્વાસ સુધી જેલની સજા: વાપી કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો | Valsad News Vapi Court Husband burned his wife in Umargam sentenced jail till last breath

Valsad News: ઉમરગામમાં 2021માં બનેલી હૃદયદ્રાવક ઘટનામાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. ચારિત્ર્ય પર શંકા કરી જાહેર રોડ પર પત્નીને પેટ્રોલ છાંટી સળગાવી દેનાર હેવાન પતિને કોર્ટે જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે.
શુ હતી સમગ્ર ઘટના?
ઘટનાની વિગતો મુજબ, ઉમરગામના ભાઠા ફળિયામાં રહેતા જીગ્નેશ રમેશભાઈ રાજપૂતના લગ્ન કામીની નામની યુવતી સાથે થયા હતા. જીગ્નેશ કોઈ કામ-ધંધો કરતો નહોતો અને દારૂના નશામાં અવારનવાર પત્ની પર અત્યાચાર ગુજારતો હતો. તે પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી મારઝૂડ પણ કરતો હતો.

જીગ્નેશે પત્ની પાસે પૈસાની માંગણી કરી હતી, જેનો ઈન્કાર કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો. પત્ની ઘર છોડીને કન્યાશાળા પાસેના રોડ પર જઈ રહી હતી, ત્યારે જીગ્નેશે પાછળ જઈ જાહેર રોડ પર જ તેના પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝેલી કામીનીનું હોસ્પિટલમાં 2 મહિનાની સારવાર બાદ મોત નીપજ્યું હતું.
કોર્ટની કડક કાર્યવાહી અને ચુકાદો
વાપીના એડિશનલ સેશન્સ જજ પુષ્પા સૈનીની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ રાકેશ ચાંપાનેરીયાએ સાક્ષીઓની જુબાની અને પુરાવાઓ રજૂ કરી દલીલ કરી હતી કે આ ગુનો અત્યંત ક્રૂર અને ગંભીર છે.
કોર્ટના મહત્વના અવલોકનો:
આરોપીને તકસીરવાર ઠેરવી તેને ‘જીવનના અંતિમ શ્વાસ’ સુધીની જેલની સજા ફટકારવામાં આવી. જાહેર માર્ગ પર પત્નીની હત્યા એ સમાજ માટે ગંભીર ગુનો છે. આરોપીને કોઈ પણ પ્રકારની રહેમ ન મળે તે હેતુથી આજીવન કેદનો હુકમ કરાયો.
આ ચુકાદો એવા લોકો માટે કડક ચેતવણી સમાન છે જેઓ ઘરેલું હિંસા અને સ્ત્રીઓ પર અત્યાચાર ગુજારે છે. બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી અને પિતા હવે જેલના સળિયા પાછળ પોતાની બાકીની જિંદગી વિતાવશે.



