गुजरात

વલસાડમાં વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો; CCTVની મદદથી RPF એ બે આરોપીને દબોચ્યા | Vande Bharat Stoning Case: Two Arrested Near Vapi Gujarat via CCTV Footage



Vapi Vande Bharat Train Stone pelting News : ગુજરાતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. વલસાડ જિલ્લાના વાપી પાસે વંદે ભારત એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી છે, જોકે રેલવે સુરક્ષા દળોએ ગણતરીના કલાકોમાં જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

CCTV ફૂટેજથી ખુલી પથ્થરબાજોની પોલ

ગત 27 જાન્યુઆરીએ જ્યારે વંદે ભારત એક્સપ્રેસ વાપી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. રેલવે સુરક્ષા દળ (RPF) એ આ ઘટનાની ગંભીરતાને જોઈને તુરંત તપાસ શરૂ કરી હતી. ટ્રેન અને એન્જિનમાં લાગેલા હાઈ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા રેલવે ટ્રેક પાસેના એક પોલ પાસે બે શંકાસ્પદ શખ્સોની ગતિવિધિઓ કેદ થઈ હતી.

આરોપીઓની ધરપકડ અને કબૂલાત

સીસીટીવી ફૂટેજના આધારે આરપીએફની ટીમે વાપીના મોરાઈ ગેટ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે ત્યાં રહેતા બે યુવકો સત્યેન્દ્ર કુમાર ઉર્ફે છોટુ (20 વર્ષ) અને શ્રીપાલ શિવનરેશને હિરાસતમાં લીધા હતા. પૂછપરછ દરમિયાન સત્યેન્દ્ર કુમારે વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંકવાની વાત કબૂલી લીધી છે. હાલ આરપીએફ દ્વારા બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મુસાફરોમાં ફફડાટ, રેલવે સતર્ક

પથ્થરમારાની આ ઘટનામાં ટ્રેનના કાચ અને બોડીને આંશિક નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ નથી. પથ્થરમારો થતા જ ટ્રેનમાં સવાર મુસાફરોમાં થોડીવાર માટે ગભરાટ ફેલાઈ ગયો હતો. રેલવે વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે હાઈ-સ્પીડ ટ્રેનોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને આવા ગુનેગારો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

તપાસનો ધમધમાટ ચાલુ

આરપીએફ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે પથ્થરમારો કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો અને શું આમાં અન્ય કોઈ લોકો સામેલ છે? આ ઘટના બાદ વંદે ભારત જેવી સેમી-હાઈ સ્પીડ ટ્રેનોના રૂટ પર રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.



Source link

Related Articles

Back to top button