गुजरात

પોરબંદર-જોધપુર વચ્ચે માત્ર 1 દિવસની ટ્રેન માટે ભાજપે ‘ભૂલ’માં વાહવાહી લૂંટી | BJP ‘mistake’ steals applause for just 1 day train between Porbandar Jodhpur



રેલવે તંત્રએ ખુલાસો કરવો પડયો કે કાયમ નહીં દોડે ! : રાજકોટ-જૂનાગઢના સાંસદો ભલામણો કરીને થાક્યા છે, ત્યારે પોરબંદરના સાંસદના એક જ પ્રયાસથી લાંબા અંતરની ટ્રેન મળી ગયાનું હાસ્યાસ્પદ ઠર્યું

૫ોરબંદર, : પોરબંદર-જોધપુર વચ્ચે એક દિવસ દોડનારી ટ્રેન વિશે આજે પોરબંદર ભાજપે ભાંગરો વાટયો હતો અને ભાજપના પુર્વ પ્રમુખ ‘સાંસદના પ્રયાસોથી પોરબંદરને મળી વધુ એક લાંબા અંતરની ટ્રેનની ભેટ’ તેવું જણાવીને પીઠ થાબડવા માંડયા હતા. પરંતુ રેલવેતંત્રએ સ્પષ્ટતા કરીને જણાવ્યું હતું કે આ ટ્રેન માત્ર એક દિવસ પુરતી દોડશે. જેથી રાજકોટ-જૂનાગઢના સાંસદો ભલામણો કરીને થાક્યા છે, ત્યારે પોરબંદરના સાંસદના એક જ પ્રયાસથી લાંબા અંતરની ટ્રેન મળી ગયાનું હાસ્યાસ્પદ ઠર્યું હતું. 

પોરબંદર જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ થાનકીએ આજે એવું જાહેર કર્યું કે, પોરબંદરથી જોધપુર સુધીની ટ્રેન સાંસદ ડો. મનસુખ માંડવીયાના પ્રયાસોથી શરૂ થઇ છે. આ ટ્રેનનું પ્રસ્થાન 1લી ફેબ્રુઆરીને રવિવારે સાંજે 7.40 કલાકે પોરબંદરથી થશે. આ સુવિધાથી વેપારીઓ, વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓને મોટો ફાયદો થશે. પોરબંદરથી રવાના થનારી આ ટ્રેન વાંસજાળિયા, લાલપુરજામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ અને સમડી થઈને જોધપુર પહોંચશે. ટ્રેનનું બુકિંગ શરૂથઇ ચૂકયું છે. આ સાથે ભાજપના નેતાઓથી માંડીને કાર્યકરો પણ પોરબંદર સાંસદના ગુણગાન ગાવા લાગ્યા હતા. 

પરંતુ રેલવે તંત્રમાં પુછપરછ કરતા એવી સ્પષ્ટતા કરી કે, ‘આવી કોઇ ટ્રેન કાયમી ધોરણે મંજુર થઈ નથી. માત્ર એક દિવસ પુરતી 1 ફેબ્રુઆરીના રોજ દોડવાની છે.’ જો કે, ક્યા કારણસર એક દિવસ માટે ટ્રેન ચાલુ કરવામાં આવી છે ? એ પ્રશ્નનો રેલવે તંત્રએ ખુલાસો કર્યો નથી. આ મુદ્દે અંતે જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખે ભાંગરો વટાયા પછીની સ્પષ્ટતા 20 કલાક પછી જણાવ્યું હતું કે ટ્રેન એક દિવસ દોડશે, પરંતુ નિયમિત ચલાવવા માટે માંગ છે! 

નોંધનીય છે કે, જૂનાગઢ અને રાજકોટના સાંસદોનું રેલવે બાબુઓ પાસે કઈ ઉપજતું ન હોય એવી હાલત છે. હરિદ્વાર સહિતની લાંબા અંતરની ટ્રેન માટે અનેક વાર રજુઆત કરવામાં આવી છે, પરંતુ રેલવે તંત્ર ગાંઠતું નથી. થોડા સમય પહેલા પણ સોમનાથમાં વડાપ્રધાનના સોમનાથ સ્વાભિમાન કાર્યક્રમ વખતે ઓચિંતી ચાર પાંચ ટ્રેન શરૂકરી દીધી હતી. પરંતુ સોરઠ સહિત સૌરાષ્ટ્રના સાંસદોની ટ્રેનની માંગણી અંગે ધ્યાન આપવામાં આવતું નથી.



Source link

Related Articles

Back to top button