પાસપોર્ટ માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર વસોના શખ્સને બે વર્ષની કેદ | Vasco man who presented fake documents for passport gets two years in prison

![]()
પેટલાદની એડિ. ચીફ જ્યુડિ. મેજિસ્ટ્રેટ કોર્ટેનો ચુકાદો
આરોપીનેે કુલ રૂ. 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ફટકારાઈ
આણંદ: પેટલાદની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે પાસપોર્ટ મેળવવા માટે બોગસ દસ્તાવેજો રજૂ કરવાના ૨૦ વર્ષ જૂના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં વસોના આરોપી શબ્બીરઅલી ગુલામઅલી મોમીનને દોષિત ઠેરવીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ગુનામાં મદદગારી કરનાર પાસપોર્ટ એજન્ટ નિમેષભાઈ મહેન્દ્રભાઈ પટેલ હાલ લંડન નાસી ગયો હોવાથી તેને ‘ભાગેડુ’ જાહેર કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, વસો ગામના રહેવાસી શબ્બીરઅલી ગુલામઅલી મોમી (રહે. વસો, મોમીનવાડા, તા.નડિયાદ, જિ. ખેડા)ને વર્ષ ૨૦૦૪માં વિદેશ જવા માટે પાસપોર્ટ મેળવવા અરજી કરી હતી. આ અરજીમાં તેણે પોતે નાર ગામનો રહેવાસી હોવાનું જણાવીને ખોટું સરનામું આપ્યું હતું. આ દાવાને સાબિત કરવા માટે તેણે સ્કૂલ લિવિંગ સટફિકેટ, આર.એલ. હાઈસ્કૂલ, નારનું બોગસ સટફિકેટ રજૂ કર્યું હતું, જે ખરેખર અન્ય વ્યક્તિ (પટેલ હિરેનકુમાર જશભાઈ)ના નામે હતું. તેમજ નાર ગામનું રેશનકાર્ડ રજૂ કર્યું હતું, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે, તે નંબરનું રેશનકાર્ડ સરકારી અનાજની દુકાનના રેકોર્ડમાં અસ્તિત્વ ધરાવતું નથી. ઉપરાંત નાર ગ્રામ પંચાયતના લેટરપેડ પર રહેઠાણ અંગેનો ખોટો દાખલો અને અન્ય વ્યક્તિના નામના લાઈટ બિલનો દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યોે હતો.
પેટલાદ રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી મૂળ વસો ગામનો છે અને તેની મિલકત તેમજ મતદાર યાદીમાં નામ પણ વસો ગામે જ છે. પોલીસે આ મામલે પાસપોર્ટ એક્ટની કલમ અને આઈ.પી.સી.ની કલમો ગુનો નોંધ્યો હતો. કોર્ટે તમામ પુરાવાઓ અને ૧૨ સાક્ષીઓની જુબાનીને ધ્યાને રાખીને અવલોકન કર્યું કે, આરોપીએ જાણીજોઈને ખોટા દસ્તાવેજો ઊભા કરીને પાસપોર્ટ મેળવવાનો પ્રયાસ કર્યો છે. કોર્ટે આરોપીને બે વર્ષની સાદી કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ અને દંડ ના ભરે તો વધુ એક માસની સાદી સાજી કેદની સજા ફટકારી છે. તેમજ આ ગુનામાં મદદગારી કરનાર પાસપોર્ટ એજન્ટ નિમેષભાઈ મહેન્દ્રભાઈ પટેલ હાલ લંડન નાસી ગયો હોવાથી તેને ‘ભાગેડુ’ જાહેર કરવામાં આવ્યો છે.



