ઈસરવાડાની સીમમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના યુવાનની લાશ મળી | Body of a young man found in Thangadh Surendranagar district

![]()
તારાપુર-વટામણ સ્ટેટ હાઈવે ઉપર આવેલા
પરિવારજનોનો સંપર્ક કરતા યુવાન સાત-આઠ દિવસથી ઘરેથી નીકળી ગયાનું જણાવ્યું, મોતનું કારણ હજુ અકબંધ
તારાપુર: તારાપુર-વટામણ સ્ટેટ હાઈવે ઉપર આવેલા ઈસરવાડા ગામની સીમના ડીવાઈડર પાસેથી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ખાખારાવાળી ગામના યુવાનની લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
બુધવારની રાત્રિના દસેક વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે, સિક્સલેન હાઈવે ઉપર આવેલા ઈસરવાડા ગામની સીમના ડીવાઈડર પાસે એક યુવાનની લાશ પડી છે. જેથી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી તપાસ હાથ ધરી હતી. મરણ જનાર યુવાન આશરે ૨૫થી ૩૦ વર્ષનો હોવાનું અનુમાન છે. તેણે શરીરે કાળા કલર જેવું જેકેટ તથા સફેદ ઉભી લાઈનીંગવાળું રાખોડી કલરનું શર્ટ, બ્લ્યુ કલરનું જીન્સનું પેન્ટ પહેર્યું હતું. પોલીસે લાશનો કબજો લઈને તપાસ કરતા યુવાનના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું. મરણ જનાર યુવાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ખાખારાવાળી ગામનો વિષ્ણુભાઈ વિનોદભાઈ ઉધરેજીયા હોવાનું જાણવા મળ્યું હતુ. આ અંગે તારાપુરના પીઆઈના જણાવ્યા મુજબ પરિવારજનોનો સંપર્ક કરતા તે અસ્થિર મગજનો હોય, છેલ્લા સાત-આઠ દિવસથી તે ઘરેથી નીકળી ગયો હતો.અને મરણ જનાર યુવાનના શરીરના ભાગે ઈજાના કોઈપણ ચિન્હો મળી આવ્યા નથી. જેથી મોત કયા કારણોસર થયું છે તે પીએમ રિપોર્ટ બાદ જાણવા મળશે.


