હવે પછીનો હુમલો પહેલાં કરતાં પણ ભયંકર હશે : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી | Next attack will be worse than the last: Donald Trump’s open warning to Iran

![]()
– ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો સાથે શરૂ થયેલો મામલો પૂરો શમ્યો નથી, ત્યાં પરમાણુ શસ્ત્રોની રોકની વાત આવી : છતાં ઈરાન માનવા તૈયાર નથી
વોશિંગ્ટન : બુધવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર એક વધુ હુમલાની ખુલ્લી ધમકી આપી છે, જેમાં કહ્યં્ છે કે, જો ઈરાન પરમાણુ શસ્ત્રો અંગે કોઈ સમાધાન નહીં કરે તો પહેલાં થયો હતો, તે કરતાં પણ વધુ પ્રચંડ હુમલો થશે.
ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર કરેલા પોસ્ટમાં લખ્યું : આશા રાખીએ કે ઈરાન મંત્રણા માટે વહેલામાં વહેલી તકે તૈયાર થશે.
વાસ્તવમાં આ પૂર્વે પણ ટ્રમ્પે મંત્રણા માટે ઈરાનને આપેલાં આમંત્રણનો ઈરાને કરેલા અસ્વીકાર પછી ટ્રમ્પે આ ધમકી ઉચ્ચારી હતી. ટ્રમ્પે આગળ લખ્યું : મેં ઈરાનને પહેલાં પણ કહ્યું હતું કે, સમજૂતી કરો, સમજૂતી કરો, પરંતુ તેઓ સમજવા તૈયાર જ ન હતા તેથી ઓપરેશન મિડનાઈટ-હેમર કરવું પડયું હતું. તેમાં ઈરાનને ભારે વિનાશ સહેવો પડયો છતાં તે માનવા તૈયાર નથી. હવે સબુરીના તમામ બંધો તૂટી ગયા છે. તેઓ તો પરમાણુ શસ્ત્રો માટે આરપારના મૂડમાં છે.
સ્પષ્ટ છે કે એક તરફ ઈરાનમાં મોંઘવારી, બેકારી અને સતત તૂટતી રીયાલની ખરીદ શક્તિ વિરુદ્ધ વ્યાપક દેખાવો થયા હતા, થઈ રહ્યાં પણ છે. તેથી એક તરફ જનતા અને બીજી તરફ સરકાર તેમ બે ભાગ જ પડી રહ્યાં છે. તેવામાં ટ્રમ્પની આ વખતની અતિગંભીર ધમકીનું નવું પરિમાણ ઉમેરાયું છે.
બીજી તરફ ઈરાન તેનો પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ પૂરી રીતે ખતમ કરવા જરા પણ તૈયાર નથી. જોવાનું તે રહે છે કે આ મામલો રાજદ્વારી પ્રયત્નોથી ઉકલી શકે છે કે કેમ ?
દરમિયાન મંગળવારે ઈરાનના પ્રમુખ મસૂદ પેજેશ્કિયને સઉદી ક્રાઉન પ્રિન્સ, મોહમ્મદ-બિન-સલમાન સાથે ફોન ઉપર વાત કરી હતી. હવે જોઈએ ઈરાન ટ્રમ્પની વાત માનશે કે કેમ. અત્યારે તો ઈરાન ફરતો અમેરિકી યુદ્ધ જહાજોનો ઘેરો છે. બીજી તરફ ઈરાન ડ્રોન વિમાનો સાથે સામના માટે સજ્જ છે.



